બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરી સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકરો પરત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું હતું, મતદાન પૂરું થતાં જ ભાજપના આ વિસ્તારના કાર્યકરો બીજા તબક્કાના ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે નીકળી ગયા હતા અને પ્રચારનું કામ પૂર્ણ કરી રવિવારે સાંજે પરત આવી ગયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન તા.1 ડિસેમ્બરે યોજાયું હતું, પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું, બૂથ સુધીનું સંગઠન ધરાવતા ભાજપના કાર્યકરોએ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પોતાના મતક્ષેત્રમાં પાર્ટીને જીત અપાવવા માટે ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યકરો પ્રચારમાં વળગી ગયા હતા અને અંદાજે પંદરેક દિવસ સુધી ઘર ઘર સુધી જઇને પાર્ટીનો પ્રચાર કર્યો હતો.
તા.1ના સાંજે 5 વાગ્યે મતદાન પૂરું થયા બાદ તમામ પાર્ટીના કાર્યકરોએ રાહતનો દમ લીધો હતો. ત્રણ દિવસ પોતાને સોંપાયેલા મતક્ષેત્રમાં જઇ પ્રચાર કર્યા બાદ તા.4ના સાંજે બહારના તમામ કાર્યકરો મતક્ષેત્ર છોડીને પરત પોતાના શહેર જતા રહ્યા હતા. તા.5ને સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને તા.8ના મત ગણતરી થવાની છે.