સાહિબજાદાની શહાદતને વંદન ! PM બોલ્યાં, ઔરંગઝેબના આતંક સામે પહાડ બન્યાં ગુરુ ગોવિંદ સિંહ, જાણો ઈતિહાસ

PM મોદીએ સોમવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 'વીર બાલ દિવસ' નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે શહીદી સપ્તાહ અને વીર બાલ દિવસ આપણી શીખ પરંપરા માટે ભાવનાઓથી જરૂર ભરપૂર છે, પરંતુ આકાશ જેવી અનંત પ્રેરણાઓ તેની સાથે જોડાયેલી છે. મોદીએ કહ્યું કે વીર બાળ દિવસ આપણને 10 ગુરુઓની યાદ અપાવશે.
ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહેબજાદા કહેવાયા
પીએમ મોદીએ કહ્યું કે, એક તરફ ધાર્મિક કટ્ટરતા અને બીજી તરફ દરેકમાં ભગવાનની નજરમાં ઉદારતા. આ બધાની વચ્ચે એક તરફ લાખોની ફોજ તો બીજી તરફ નીડર વીર સાહેબજાદે જેઓ કોઈનાથી પણ ડરતા નથી. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ ભૂતકાળ હજારો વર્ષ જૂનો નથી. આ બધું માત્ર 3 સદી પહેલા આ દેશની ધરતી પર થયું હતું. એક તરફ ધાર્મિક કટ્ટરતા અને એ કટ્ટરતાથી અંધ બનેલી મોગલ સલ્તનત અને બીજી તરફ જ્ઞાન અને તપસ્યામાં તરબોળ આપણા ગુરુ ભારતના પ્રાચીન માનવમૂલ્યો પર ચાલનારી પરંપરા છે.
કેમ ઉજવાય છે વીર બાળ દિવસ
ગુરુ ગોવિંદ સિંહજીના નાના સાહેબજાદાઓ, બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહ અને માતા ગુજરીના અસાધારણ સાહસ અને બલિદાનને યાદ કરીને ભારત સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
શું હતી ગુરુ ગોવિંદ સિંહના પરિવારની શહાદત
1699ની સાલમાં પંજાબમાં શીખોના નેતા ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમના ચાર પુત્રો અજીત, ઝુઝાર, જોરાવર અને ફતેહસિંહ હતા. ગુરુ ગોવિંદ સિંહે આનંદપુર કિલ્લામાં રહીને મોગલ સમ્રાટ ઔરંગઝેબને આકરી લડત આપી હતી. તેમનો સંઘર્ષ આનંદપુર સાહિબ કિલ્લા પર શરૂ થયો હતો જ્યારે ગુરુ ગોવિંદ સિંહ અને મોગલ સૈન્ય વચ્ચે ચાલી રહેલા યુદ્ધને મહિનાઓ વીતી ગયા હતા. ગુરુજી કોઈ પણ ભોગે હાર માનવા તૈયાર નહોતા. ઔરંગઝેબ પણ તેમની હિંમત જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. જ્યારે ઔરંગઝેબ તેને સીધી લડાઇમાં હરાવી શક્યો ન હતો, ત્યારે તેણે તેને હરાવવા માટે એક વ્યૂહરચના અપનાવી હતી. તેમણે ગુરુજીને એક પત્ર લખીને મોકલ્યો. "હું કુરાનના સોગંદ ખાઈને કહું છું કે જો તમે આનંદપુરનો કિલ્લો ખાલી કરી દેશો તો તમને જવા સહિસલામત જવા દેવામાં આવશે. ગુરુજીએ કિલ્લો ખાલી કરી દીધો છતાં ઔરંગઝેબે દગાથી ગોવિંદ સિંહના પુત્રોને પકડાવી લેવડાયા અને તેમને ઈસ્લામ કબૂલ કરવાનું દબાણ કર્યું પરંતુ ગોવિંદ સિંહના બે પુત્રોએ લોભ-લાલચમાં આવ્યાં વગર ઈસ્લામ કબૂલ કરવાનો ઈન્કાર કરી દેતા ઔરંગઝેબે તેમને જીવતા દીવાલમાં ચણાવી દીધા હતા અને આ રીતે તેમના પુત્રોને શહીદ કર્યા હતા.