સાવલીમાં ઝંડા લગાવવા મુદ્દે કોમી અથડામણ

સાવલી નગરમાં દામાજીના ડેરા પાસે લઘુમતી સમાજના યુવકો દ્વારા ઝંડો લગાવવા મુદ્દે બે કોમના ટોળાં સામસામે આવી જતા ભારે પથ્થરમારો સર્જાયો હતો બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાવલી પોલીસે બંને કોમના કુલ 41 ઈસમો સામે રાયોટીગનો ગુનો નોંધી 36 ને ઝડપી ને જેલભેગા કરી તપાસ ધરી છે.
સાવલી નગરમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બનીને નગરની શાંતિમાં પલિતો ચાંપ્યો છે. નગરના દામાજીના ડેરા પાસે બે જૂથો વચ્ચે સામસામે ઘર્ષણ સર્જાતા પથ્થરમારો થયો હતો. જાણવા મળ્યા પ્રમાણે આગામી ઈદ એ મિલાદ પર્વ ની ઉજવણી નિમિત્તે ઝંડા લગાવવા અને બંને સમુદાયના ઝંડા સાથે લગાવવા બાબતે બે જૂથો વચ્ચે ચકમક ઝરી હતી.