સાઉદી અરબનો યમનના મુકલ્લા પોર્ટ પર હવાઈ હુમલો
ખાડીના બે શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા અને UAE વચ્ચે તણાવ વધી ગયો છે. સાઉદી અરેબિયાએ મંગળવારે સવારે યમનમાં મુકાલા બંદર પર બોમ્બમારો કર્યો. સાઉદી અરેબિયાનો દાવો છે કે UAEના ફુજૈરા બંદરથી આવેલા બે જહાજોમાંથી અહીં હથિયારો અને સૈન્ય વાહનો ઉતારવામાં આવી રહ્યા હતા. આ જહાજોની ટ્રેકિંગ સિસ્ટમ બંધ હતી.
સાઉદી અરેબિયાનું કહેવું છે કે આ હથિયારો સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) નામના અલગતાવાદી જૂથને આપવામાં આવી રહ્યા હતા, જે શાંતિ અને સ્થિરતા માટે ખતરો બની શકે તેમ હતા. તેથી વાયુસેનાએ મર્યાદિત હવાઈ હુમલો કરીને હથિયારો અને સૈન્ય વાહનોને નિશાન બનાવ્યા. હુમલો રાત્રે કરવામાં આવ્યો જેથી સામાન્ય લોકોને નુકસાન ન થાય.
આ હુમલા પર હજુ સુધી UAE તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સાઉદી અરેબિયા અને UAE છેલ્લા 10 વર્ષથી યમનમાં હુતી વિદ્રોહીઓ સામે લડી રહ્યા છે, પરંતુ તેઓ ત્યાં અલગ-અલગ જૂથોને સમર્થન આપે છે.