સાઇક્લિંગ બેસ્ટ એક્ટિવિટી
આજના સમયમાં લાઈફસ્ટાઈલને કારણે અનેક પ્રકારના હેલ્થ ઇસ્યુ રહે છે. આ સમસ્યાથી બચવા માટે અને શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક શારીરિક એક્ટિવિટી પણ જરૂરી છે. આ શારીરિક એક્ટિવિટીમાં સાઇક્લિંગ એક બેસ્ટ એક્ટિવિટી છે. ફિઝિયોથેરાપિસ્ટ ખ્યાતિ શર્મા પાસેથી જાણીએ સાઇક્લિંગ ચલાવવાનો સમય અને ફાયદા.
15 મિનિટ સાઇક્લિંગના આ રહ્યા ફાયદા
સાયકલિંગથી ફિટ રહેવાની સાથે-સાથે વજન પણ ઝડપથી ઘટેછે. સ્નાયુઓને ટોન કરવા, હાડકાંને મજબૂત કરવા અને વજન ઘટાડવા માટે આ સાયકલિંગ બેસ્ટ કસરત છે. પરંતુ માત્ર લાંબા સમય સુધી સાઇકલ ચલાવવાથી કામ નહીં ચાલે પરંતુ વજન ઉતારવાના લક્ષ્યને હાંસલ કરવા માટે પણ ઘણા નિયમોનું પાલન કરવું પડશે. પેટની ચરબી ઘટાડવા માટે લાંબા સમય સુધી સાઇક્લિંગ કરવું જરૂરી છે. ઓછા ગીચ રસ્તા પર સવારી કરવા જાઓ, જેથી તમે લાંબા સમય સુધી સાયકલ ચલાવી શકો અને બોડી ફેટને સરળતાથી દૂર કરી શકો.
પેડલિંગના સમય પર ધ્યાન આપો
જો તમે સાઇક્લિંગ કરીને વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો પેડલિંગમાં વિતાવેલો સમય ખૂબ જ જરુરી છે. સમય નક્કી કરતી વખતે એ નોંધવું જોઈએ કે દરેક વ્યક્તિનું મેટાબોલિઝમ જુદું જુદું હોય છે અને કોઈ પણ રૂટિન શરૂ કરતાં પહેલાં શારીરિક જરૂરિયાત સમજવી પડે છે. ઉર્જા બચાવવા માટે ઝડપથી પેડલ ક્યાં લગાવવું અને આરામથી ક્યાં સવારી કરવી તે સમજવું પણ ખુબ જ જરૂરી છે. તમે એક કલાકના સાઇક્લિંગ પર 500 કેલરી બર્ન કરી શકો છો. જો તમે સતત સાઇકલિંગ કરતા રહો છો તેમજ હેલ્ધી ડાયટ લો છો તો અઠવાડિયામાં 500 ગ્રામ વજન ઘટાડી શકો છો.

સાઇકલ ચલાવવાનો સમય ફિક્સ કરો
સવારના નાસ્તા પહેલા સાઇક્લિંગ કરવાથી અનેક ગણો ફાયદો થાય છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખાલી પેટે સાઇકલ ચલાવવાથી 20 ટકા વધુ ઝડપથી ચરબી બર્ન થાય છે. સાઇકલ ચલાવવાથી મન હંમેશા ફ્રેશ રહેશે.
ચઢાણ પર ચલાવો સાઇકલ
એક વખત તમે સીધા રસ્તા પર સાઇકલ ચલાવવાનું બરાબર શીખી જાઓ છો તો પછી તમે ચઢાણ ઉપર સાઇકલ ચલાવવાનું શરૂ કરો. જો કે, તે ચઢવા માટે વધારે એનર્જીની જરૂર પડશે જેનાથી વધુ કેલરી બર્ન કરશે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે.
પોશ્ચર પર ધ્યાન આપો
સાઇક્લિંગ કરતી વખતે પોશ્ચરનું પણ ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય આસન, ગતિ, પકડ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ સિવાય રાઇડ દરમિયાન સીટની પોઝિશન બદલતા રહો, જેથી બોડી પાર્ટ પર પ્રેશર ન આવે. આ બધી બાબતો વજન ઘટાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય હેલ્ધી ફૂડ ખાઓ અને સતત એક્સરસાઇઝનું રૂટીન ફોલો કરો. સાઇક્લિંગ કરતી વખતે માત્ર વજન ઉતારવા પર જ ધ્યાન ન આપવું જોઇએ પરંતુ ફિટનેસ અને હેલ્ધી લાઇફ સ્ટાઇલ અપનાવવા પર ધ્યાન આપવું જોઇએ.

હાર્ટનું ધ્યાન રાખો
સાઇક્લિંગ દરમિયાન હૃદયના ધબકારા ઝડપી હોય છે, જે હાર્ટના સ્વાસ્થ્ય માટે એક બેસ્ટ કસરત છે. હાર્ટ અને અને બ્લડ સર્ક્યુલેશન સાથે સંકળાયેલા જોખમને ઘટાડી શકે છે. જે લોકો કોઈ કામ નથી કરતા તેમની સરખામણીમાં સાઈકલિંગ જેવી એક્ટિવિટીમાં ભાગ લેનારા લોકોનું હાર્ટ વધુ સારું કામ કરે છે.
સાઈક્લિંગ કોને ન કરવું જોઈએ?
નાના બાળકોએ સાઈક્લિંગ ન કરવું જોઈએ. બાળક 5 વર્ષથી મોટું હોય અને સાઇકલ ચલાવતાં આવડતું હોય તો પણ તેને માતા-પિતાની દેખરેખમાં સાઇકલ ચલાવવી જોઈએ. તો જે લોકોને ઘૂંટણને લગતી સમસ્યા ધરાવતા તે લોકોએ પણ સાઇકલ ચલાવવી ન જોઇએ, તેનાથી ઘૂંટણની સમસ્યા વધી શકે છે.
સાઇકલ ચલાવવા માટે ઉર્જાનો ઉપયોગ થતો હોય આ સમય દરમિયાન શ્વાસ ઝડપી બને છે. આ સ્થિતિમાં અસ્થમાના દર્દીઓએ લાંબા સમય સુધી સાયકલ ચલાવવી જોઈએ નહીં. જો અસ્થમાના દર્દીઓ ડોક્ટરની સલાહ પર જ સાઇકલ ચલાવે તો વધુ સારું રહેશે. સાઇકલ ચલાવવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક સાથે સંકળાયેલા જોખમોને ઘટાડી શકાય છે, તેમ છતાં જેમને વાઈના હુમલા આવે છે તેમણે ડોક્ટરની સલાહ વિના સાઈક્લિંગ ન કરવું જોઈએ. સાથે જ સાઈક્લિંગ દરમિયાન માંસપેશીઓ પર પણ ભાર મૂકવામાં આવે છે, જે એકદમ થકવી નાખે તેવું બની શકે છે. આવી સ્થિતિમાં પણ સાઇકલિંગથી દૂર રહેવું વધુ સારું છે.

સાઇકલ ચલાવવાથી નુકસાન
સાઇકલ ચલાવવાના ફાયદા હોય તો તેના ગેરફાયદા પણ હોઇ શકે છે, આવો જાણીએ...
વધારે વજન ઘટી જવું :
જે લોકો વજન ઘટાડવા માટે સાઇકલ ચલાવે છે તેના માટે તો ફાયદાકારક છે, પરંતુ જે લોકો વજન વધારવા માગતા હોય તે લોકોએ સાઇકલ ન ચલાવવી જોઈએ.
શ્વાસની તકલીફ :
એનસીબીઆઇના રિપોર્ટ અનુસાર, કાર ચલાવવાની તુલનામાં જે લોકો સાઇકલ ચલાવે છે તે લોકોને શ્વાસની તકલીફ થઇ શકે છે.