રતનપર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈ 150 વિદેશી વિદ્યાર્થીનું ચેકિંગ

રાજકોટ-મોરબી રોડ પર રતનપર ગામ નજીક વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાની વારંવાર મળતી ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOGએ સર્ચ કર્યું હતું. પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી રતનપર, હડાળા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાસપોર્ટ અને વિઝા ચેક કરી NCBને સાથે રાખી સર્ચ કરવામાં આવ્યુંછે. જેમાં શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. કુલ 150 જેટલા વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી છે.
ગ્રામજનો ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ કરતા: SOG રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સવારથી વિદેશી વિદ્યાર્થીઓ અંગે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદેશી વિદ્યાર્થીઓ મોરબી રોડ પર રતનપર, હડાળા, ગૌરીદળ અને જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા હોવાની માહિતી છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની ફરિયાદ વારંવાર ગ્રામજનો દ્વારા કરવામાં આવતી હોવાથી આજે NCB ટીમને સાથે રાખી અલગ અલગ 6 ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદેશી નાગરિકના પાસપોર્ટ અને વિઝા વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે.