મહેસાણા મુલ્કી ભવનથી સાર્વજનિક તરફના ભંગાર રોડ પર આખરે ડામર પાથરતાં રાહત

મહેસાણા બસ સ્ટેશન નજીક મુલ્કી ભવનથી સાર્વજનિક સ્કૂલ તરફ ઢાળનો રસ્તો ઘણા લાંબા સમયથી તૂટેલી હાલતમાં રહેતાં વિદ્યાર્થીઓ તેમજ આવનજાવન કરતાં લોકોને પડી જવાનો ભય રહેતો હતો. ત્યાં ચોમાસામાં વધુ ધોવાણ થતાં ખખડધજ બની ગયેલા આ રોડ પર ડામર નાંખી ખાડા પુરવામાં આવતાં આખરે વાહનચાલકો અને રાહદારીઓને રાહત થઇ છે.
મુલ્કી ભવનથી સાર્વજનિક સંકુલ તરફનો રસ્તો તૂટેલી હાલતમાં હોવા અંગે અહેવાલ પ્રસિદ્ધ થયા પછી સફાળા જાગેલા પાલિકા દ્વારા મંજૂર રસ્તાની મરામત કરવામાં આવી છે. ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓની મરામત માટે પાલિકા દ્વારા થતી કામગીરીમાં મોડે મોડે પણ મુલ્કી ભવનથી સાર્વજનિક તરફના રસ્તામાં લેવલ વગર ડામર નાંખીને ખાડા પુરવામાં આવ્યા છે. હાલ ડામર નંખાતા અહીંથી પસાર થતાં વાહન ચાલકોએ થોડી રાહત થઇ છે. આ રોડને આરસીસી કરવામાં આવે તેવી લોકમાંગ છે.