રાજકુમાર જાટના હાલ થયા તેવા તારા થશે
રાજકોટના ગોંડલ તાલુકાના બીલીયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે. બારદાનમાં 35 કિલો 800 ગ્રામના બદલે ખેડૂત પાસેથી 36 કિલો 200 મગફળી લેવાતી હોવાનો દાવો કરાયો છે. ગોંડલ તાલુકાના એક ખેડૂતે આક્ષેપ કર્યો છે કે, આ ગેરરીતિને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો તો સાતથી આઠ શખસોએ મારો મોબાઈલ ઝૂંટવી મારામારી કરી અને ધમકી આપી કે, અહીં ગણેશ અને લાલા રાજ છે. રાજકુમાર જાટના હાલ થયા તેવા તારા થશે.
ખેડૂતનો આક્ષેપ છે કે, આ મામલે ગોંડલ પોલીસને ફરિયાદ નોંધવા અપીલ કરી છે પણ બનાવ બન્યાના કલાકો બાદ પણ ફરિયાદ લીધી નથી. ખેડૂતો સાથે ટેકાના ભાવની ખરીદીમાં ખોટું થઈ રહ્યું છે. પરંતુ, ખેડૂતોને મગફળી ખરીદાશે નહીં તેવા ડરના કારણે બોલવાનું ટાળી રહ્યા છે.
વિમલ સોરઠીયાએ જણાવ્યું હતુ કે, હું એક નાનો પાટીદાર ખેડૂત છું. ગોંડલના બીલીયાળા કેન્દ્રમાં મગફળી જોખાતી હતી. જ્યાં 35 કિલો અને 800 ગ્રામના બદલે 36 કિલો અને 200 ગ્રામ મગફળી જોખવામાં આવતી હતી. જે બાદ હું મારા મોબાઈલમાં વીડિયો શુટીંગ કરી રહ્યો હતો તો મારો ફોન લઇ લેવામાં આવ્યો. જે બાદ હું ખેડૂતોને મળ્યો હતો તેમને કહ્યું કે અમે જો કંઈ વાંધો ઉઠાવીએ તો અમારી મગફળી રિજેક્ટ કરવામાં આવે છે જેથી અમે કઈ બોલતા નથી.
મને સાતથી આઠ લોકો દ્વારા માર મારવામાં આવ્યો- વિમલ સોરઠિયા જે પછી મને કહેવામાં આવ્યું કે અહીં 'ગણેશ રાજ અને લાલાનું રાજ છે, જેથી અહીં પરમિશન વગર અવાય નહીં.' ખેડૂતોને પણ કહી દેવામાં આવ્યું કે અહીં જિગીષાબેન આવે તો કહેવાનું કે અહીં બધું બરોબર ચાલે છે મગફળી યોગ્ય રીતે જ જોખાય છે. કે પછી જીગીશાબેન નીકળી ગયા બાદ મને બીલીયાળા મગફળી કેન્દ્રની સામેના ગેટમાં લઈ જવામાં આવ્યો. જ્યાં મને સાતથી આઠ શખ્સોએ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો.