રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનર પાસેથી 150 લોકોનું લિસ્ટ મળ્યું!

ગત 14 જુલાઈ, 2025ના રોજ ખોટી રીતે TDS મેળવવા અને કર માફીના લાભ મેળવવા બદલ આવકવેરા વિભાગે ગુજરાતમાં કુલ 15 સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજકોટ જિલ્લા(ગોંડલ-ધોરાજી)માં ચાલતું સર્ચ અને સર્વે પૂર્ણ થતા રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી આઈ.ટી.ની ટીમને 150 જેટલા લોકોનું લિસ્ટ મળ્યું છે. હવે આ લોકોને સમન્સ પાઠવી ટેક્સ ભરવા જાણ કરવામાં આવશે. જેમાં જો કોઈ કરદાતા ટેક્સ ભરપાઈ નહીં કરે તો પેનલ્ટી સાથે ટેક્સ વસુલાત કરવા તૈયારી આઇટી વિભાગ દ્વારા કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સામે આવ્યું છે.
સૌરાષ્ટ્રની સાથે સાથે આઈટી ડિપાર્ટમેન્ટે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ કરી હતી.રત્ન કલાકારો, બિઝનેસમેનો અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા ઉંચા પગારદારો આઈટીના રડારમાં આવ્યા છે.
150 નોકરિયાતનું લિસ્ટ મળ્યું, સમન્સ પાઠવાશે આઈ.ટી.ની ઇન્વેસ્ટિગેશન વિગ રાજકોટ, ધોરાજી, ગોંડલ સહિત રાજ્યમાં અલગ અલગ સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટની તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઈન્કમટેક્સ ફિલ્ડ સર્વે પૂર્ણ થયા બાદ હવે આગામી સમયમાં રાજકીય પક્ષોને દાન આપીને 10% સુધીની કર રાહત મેળવતા અનેક કરદાતાઓને આવકવેરા વિભાગ દ્વારા નોટિસો આપવાનું શરૂ કરાશે. રાજકોટ, ગોંડલ અને ધોરાજીમાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાં તપાસ શરૂ કરી હતી. જેમાં એક મોટો ડેટા જપ્ત કરવામાં આવ્યો છે. આ ડેટામાં ટેક્સમાંથી રાહત મેળવવા માટે નાણાંકીય ગોઠવણ કરનારા 150 જેટલા નોકરિયાત કરદાતાઓનાં નામ મળી આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ લિસ્ટના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ હવે આ કરદાતાઓને સમન્સ પાઠવશે. આ પછી પણ ટેક્સ ભરપાઈ નહીં કરે તો તેમની પાસેથી પેનલ્ટી વસુલ માટે પણ તૈયારી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે.