રાજકોટનાં રેસકોર્સ સ્નાનાગાર ખાતે 500 કરતા વધુ તરવૈયાઓ ઉમટી પડ્યા, તમામને પ્રમાણપત્ર અપાશે

રાજકોટનાં રેસકોર્સ સ્નાનાગાર ખાતે 500 કરતા વધુ તરવૈયાઓ ઉમટી પડ્યા, તમામને પ્રમાણપત્ર અપાશે

ગુજરાત સરકારના "રમશે ગુજરાત, જીતશે ગુજરાત" અભિયાન અંતર્ગત રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસિએશન અને લોકમાન્ય તિલક સ્નાનાગારના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મહાપાલિકાના સહયોગથી આજે "તરણ સ્પર્ધા-2025" નો શુભારંભ લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ સંકુલ, રાજકોટ ખાતે સવારે 08:00 કલાકે થયો. આ સ્પર્ધાનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.

તમામ સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવું જરુરી છે રમતગમતના મહત્વ પર ભાર મૂકતા, મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું કે રમતગમત આપણા જીવનનો અભિન્ન ભાગ છે, જે શારીરિક, માનસિક-સામાજિક સુખાકારી માટે અસંખ્ય લાભો આપે છે. રમતગમતમાં વ્યસ્ત રહેવાથી વ્યક્તિગત વિકાસ, કૌશલ્ય વિકાસ, સામાજિક ક્રિયા-પ્રતિક્રિયા અને એકંદર આનંદની તકો મળે છે. તંદુરસ્ત, સુખી અને વધુ સંતુલિત જીવનશૈલી સુનિશ્ચિત કરવા માટે તમામ સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યાથી 50 મીટરની તરણ સ્પર્ધા અલગ-અલગ સમય પર શરૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં કોઈ પણ ઉંમરના વ્યક્તિ ભાગ લઈ શકે છે. અગાઉના કાર્યક્રમોમાં સ્વિમિંગમાં નંબર મેળવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. તેઓએ સ્વિમિંગને ઉત્તમ યોગ ગણાવતા કહ્યું હતું કે, સ્વિમિંગ કરવાથી શરીરના તમામ અવયવો કાર્યરત રહે છે અને મગજ પણ સક્રિય રહે છે. તેઓએ મહાનગરપાલિકા દ્વારા થતા આવા કાર્યક્રમોના આયોજનને આવકાર્યું હતું.

Read more