રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે. ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખી લાલો ફિલ્મના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા, જેને લીધે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના PSI ફરિયાદી બન્યા છે.
આ અંગે ફરિયાદ નોંધાતા અને નોટિસ ફટકારાતા ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી જવાબ રજૂ કરવા માટે પોલીસ સમક્ષ હાજર થયા હતા.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSI એન.વી. ચાવડાએ પોતે ફરિયાદી બની કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન રાત્રે 9:15 વાગ્યે સોશિયલ મીડિયામા વીડિયો વાઇરલ થયો કે લાલો ફિલ્મના કલાકારો ક્રિસ્ટલ મોલમાં પ્રમોશન એકિટિવિટી કરવા આવ્યા છે અને આ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમા ભીડ એકત્ર થઈ છે.