રાજકોટમાં સિઝનનો 47 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં 16 જૂનથી સત્તાવાર ચામાસુ બેઠા બાદ મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધોધમાર હેત વરસાવી પ્રથમ રાઉન્ડમાં જ નદી-નાળા છલકાવી દીધા છે, ત્યારે ચોમાસાના 40 દિવસમાં રાજ્યભરમાં સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લામાં પણ ચાલુ સિઝનનો સરેરાશ 47.20 ટકા વરસાદ નોંધાયો છે.
આ વર્ષે વરસાદ એકધારો વરસ્યો ન હોવાથી ખેડૂતો માટે રાહત છે. રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમિયાન સૌથી વધુ જેતપુરમાં 28 ઈંચ અને સૌથી ઓછો પડધરીમાં 12.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, હજુ અડધું ચોમાસુ બાકી હોવાથી સરેરાશ સારૂં ચોમાસુ થવાની અને 16 આની વર્ષ થવાની શક્યતાઓ છે.
સામાન્ય રીતે રાજ્યમાં 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, ત્યારે વર્ષ 2025માં રાજ્યમાં 16 જૂને ચોમાસાના પ્રારંભ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા પ્રથમ વરસાદમાં જ ધમાકેદાર બેટિંગ કરી હતી. જોકે, ચોમાસાના પ્રારંભે કચ્છ-ઉત્તર ગુજરાતમાં વરસાદી ઘટ રહ્યા બાદ હાલમાં સરેરાશ વરસાદની સરખામણીએ કચ્છ સૌથી આગળ નીકળી ગયું છે. રાજ્યમાં ચોમાસાના 40 દિવસમાં 55 ટકા વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ 64 ટકા વરસાદ કચ્છમાં નોંધાયો છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં 54 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાજ્યના પૂર્વે મધ્ય ઝોન વિસ્તારમાં ફક્ત 51 ટકા જ વરસાદ નોંધાયો છે.