રાજકોટમાં શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટાં

રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, પરંતુ વરસાદ ન હોવાથી લોકો ભારે બફારાનો સામનો કરી રહ્યા હતા. જોકે બપોરે મેઘરાજાનું આગમન થયું હતું અને તેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરમાં આજે માત્ર એક મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં 22 ઇંચ જેટલો જ વરસાદ નોંધાતા વધુ વરસાદ પડે તેવી લોકો અને જગતાતને આશ છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા રાજકોટ શહેરમાં સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા હતાં. જે બાદ બપોરે વરસાદી ઝાપટા શરૂ થતા શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાના મવા રોડ, રૈયા રોડ, મવડી ચોકડી, 150 ફૂટ રીંગ રોડ, સેકન્ડ રીંગ રોડ, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી.