રાજકોટમાં રોડ શો કરી વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે, અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોમાં હાજરી આપશે
PM મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે. 11મી તારીખે રાજકોટમાં રોડ શો યોજી સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે. ત્યાર બાદ 12મી જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે.
કાઈટ ફેસ્ટિવલ સમયે જર્મનીના ચાન્સેલર ગુજરાતના મહેમાન બનવાના છે. ત્યારે પીએમ મોદી અને ચાન્સેલર વચ્ચે મુલાકાત થઈ શકે છે. પીએમની બે દિવસીય ગુજરાત મુલાકાતને લઈ હાલ રાજકોટ અને અમદાવાદમાં વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર - કચ્છની રીજનલ વાઇબ્રન્ટ સમિટ યોજવાની છે ત્યારે એની સમીક્ષા માટે આજે પ્રભારી મંત્રી જિતુ વાઘાણી રાજકોટ આવી પહોંચ્યા હતા અને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી, જે બાદ જાહેર કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. જૂના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે, જે બાદ એક કિલોમીટર જેટલો તેમનો રોડ શો યોજાશે. ગુજરાતની પ્રથમ રીજનલ વાઇબ્રન્ટ સમિટ મહેસાણામાં યોજાયા બાદ હવે રાજકોટમાં યોજાઈ રહી છે, ત્યારે એમાં ખુદ વડાપ્રધાન આવી રહ્યા હોઈ, તેમનું ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ સ્વાગત થશે. આ વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત 22 દેશો જોડાવાના છે. 6,364 ઉદ્યોગકારોનાં રજિસ્ટ્રેશન થઇ ચૂક્યાં છે. 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે, જેમાં સૌરાષ્ટ્ર - કચ્છના ઓટોમોબાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનું છે.