રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય એમ દર બે-ત્રણ દિવસે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવે છે. આજે(19 જુલાઈ) વધુ એક ઘટનામાં શહેરના ચંદ્રેશનગર વિસ્તારમાં બે શખસે પાનના ધંધાર્થી ઉપર સોડાબોટલના ઘા કરી જાનથી મારી નાખવા ધમકી આપી છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધી CCTVમાં દેખાતા બન્ને શખસની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માત્ર 29 સેકન્ડમાં 8 સોડાબોટલના ઘા મારી લુખ્ખા અને આવારા તત્ત્વો પોલીસને સીધો જ પડકાર ફેંકતાં હોય એવું લાગી રહ્યું છે. એક જ અઠવાડિયામાં વેપારી પર હુમલાની આ ત્રીજી ઘટનાથી તેમનામાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નાગજીભાઈ વિહાભાઈ મુંધવા (ઉં.વ.42)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાં ચંદ્રેશનગર ચોકમાં જ તેઓ મોમાઈ ડિલક્સ નામે પાનની દુકાન ધરાવે છે. ગઈકાલે પોતે પોતાની દુકાને હતા ત્યારે રાત્રે 9 વાગ્યા આસપાસ બે અજાણ્યા શખસો મોટરસાયકલ પર આવ્યા હતા અને તેમની પાસે એક બ્લુ કલરની થેલીમાં કાચની બોટલો હતી. 29 સેકન્ડમાં તેમણે 8 બોટલના ઘા મારી દુકાનની અંદર તેમજ બહારના ભાગે નુકસાન પહોચાડ્યું હતું, સાથે જ બંને શખસે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એ શખસો કોણ હતા એ ખ્યાલ નથી, પરંતુ તેઓ અચાનક જ આવીને સોડાબોટલના ઘા કરી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.