રાજકોટમાં નર્સિંગ યુવતીનો આપઘાત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં ગોવિંદ રત્ન ગ્રીન સિટી 4માં સહેલીઓ સાથે રૂમ રાખીને રહેતી મુળ ગીર સોમનાથની મિત્તલ મનુભાઈ બામણીયા (ઉ.વ.22) એ ગઈકાલે રાત્રિના સમયે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેમનાં રૂમ પાર્ટનર યુવતીએ 108ને જાણ કરી હતી અને 108નાં ઇએમટી રવીભાઈ રાવલે યુવતીને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક મિત્તલ બે બહેન એક ભાઈમાં મોટી હતી અને તેમનાં પિતા માછીમારીનો ધંધો કરતા હતા તેમજ મિત્તલ રાજકોટમાં પુનીતનગર પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે નોકરી કરતી હતી અને કપડાના શોરૂમમાં કામ કરતી હતી.
મિત્તલની સગાઇ જયા નકકી થઇ હતી. તે યુવક સાથે ગઇકાલે સાંજે વાત કર્યા બાદ તેમણે મોબાઇલ સ્વીચ ઓફ કરી આ પગલું ભરી લીધું હતું અને જ્યારે તેમની રૂમ પાર્ટનર પહોંચી ત્યારે મિત્તલ લટકતી જોવા મળતા તેણીએ બુમાબુમ કરતા આજુબાજુનાં લોકો ત્યા દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. મિત્તલના આપઘાત પાછળનું કારણ જાણવા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો દુષ્કર્મ, ફરજમાં રુકાવટ, રાયોટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ શખ્સ કુખ્યાત સાવન ઉર્ફે લાલીને પાસા હેઠળ વડોદરા જેલ ધકેલવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઈ દ્વારા મારામારી સહિતના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી અટકાયતી પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વસાવા દ્વારા વારંવાર શરીર સંબંધી ગુના આચરતા શખ્સ સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા (ઉ.વ.31) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જે દરખાસ્તને પોલીસ કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવતા સાવન ઉર્ફે લાલીને વડોદરા જિલ્લા જેલ ખાતે ધકેલી દેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખની છે કે, પાસા અટકાયતી સાવન ઉર્ફે લાલી વિરુદ્ધ દુષ્કર્મ, ફરજમાં રૂકાવટ, રાયોટ સહિતની ગંભીર કલમો હેઠળ પાંચ ગુના નોંધાઈ ચૂક્યાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.