રાજકોટિયન્સ 'શોલે' અને 'અપને' ફિલ્મ સાથેના અનુભવો યાદ કરી ભાવુક
બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે ત્યારે રાજકોટનાં જાણીતા એડવોકેટ દિલીપ પટેલ અને સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ વર્ષ 2005ના એક્ટરના વ્યક્તિત્વ અને સૌરાષ્ટ્ર સાથેના તેમના જોડાણને યાદ કર્યું હતું. વર્ષ 2005માં ‘અપને’ ફિલ્મની રાજકોટમાં શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, શિલ્પા શેટ્ટી અને કેટરિના કૈફ સાથે વીતાવેલી યાદગાર ક્ષણોને બંનેએ દિલ ખોલીને યાદ કરી છે. શૂટિંગની તમામ વ્યવસ્થા પોતે સંભાળી હોવાનું જણાવતાં દિલીપભાઈ અને ગુણવંતભાઈએ તેમની દરિયાદિલી, વિનમ્રતા અને સરળ સ્વભાવના અનેક કિસ્સા વાગોળ્યા.
જેમ કે, સ્ટેજ પર જો તે હાજર હોય તો કોઈપણ કલાકાર પહેલા તેમના પગ સ્પર્શીને પછી જ પોતાનું પર્ફોર્મન્સ શરૂ કરતો. મૂક-બધિર બાળકોને મળવા પોતે જ આવી ગયા, નાનીમાં નાની વસ્તુના પણ પૈસા આપવા, પંજાબી ઢોલીઓને પોતાના દીકરાઓ સાથે ફોટો પડાવવા કહેવું કે, પછી બીમાર હોવા છતાં જસ્ટિસ સેઠનાને મળવા હોટલમાં બોલાવવું – આ બધું જણાવતાં તેમણે કહ્યું કે “ધર્મેન્દ્રજીની જગ્યા કોઈ લઈ શકે એમ નથી, તેઓ ખરેખર હીમેન છે.”
ધર્મેન્દ્રને યાદ કરતાં દિલીપ પટેલે કહ્યું કે, સ્ટેજ પર તેમની હાજરીનો એટલો પ્રભાવ હતો કે કોઈ પણ કલાકાર, ભલે તે નાનો હોય કે મોટો, પહેલા તેમના પગ સ્પર્શીને પછી જ પોતાનું પર્ફોર્મન્સ શરૂ કરતો. તેમણે ધર્મેન્દ્રને લોકપ્રિય અભિનેતા ગણાવ્યા હતા અને કહ્યું કે, તેમના નિધનથી એક મોટો અભિનેતા ગુમાવ્યો છે. તેમના નિધનથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં શોકનું વાતાવરણ છે, કારણ કે 2005ની આસપાસના સમયગાળામાં જે લોકોએ ધર્મેન્દ્રને જોયા છે અને જેમનું જોડાણ તેમની સાથે રહ્યું છે, તે સૌરાષ્ટ્રના લોકો તેમને આજે પણ યાદ કરી રહ્યા છે.