રાજકોટ SOGએ કોઠારીયા ચોકડી પાસેથી આરોપીઓને 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચ્યા
રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા ચોકડી પાસે દરોડો પાડીને ગાંજાના જથ્થા સાથે એક રિક્ષાચાલક પુરુષ અને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલાને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 4 કિલોથી વધારે ગાંજો સહિત રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શંકાસ્પદ હાલતમાં મળી આવેલા પુરુષ-મહિલાની તપાસમાં ગાંજો મળ્યો પ્રાપ્ત વિગત મુજબ SOG શાખાની ટીમ તેના પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેટલાક શખસો ગાંજાના જથ્થા સાથે હેરફેર કરી રહ્યા છે. આ બાતમીના આધારે તા. 14/12/2025ના રોજ કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતી સર્વિસ રોડ પર ખોડિયાર ટેકરીની સામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા એક પુરુષ અને મહિલાની તપાસ કરતા તેમની પાસેથી માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
મહિલાની અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવણી પોલીસે 40 વર્ષીય આરોપી મુસ્તાકભાઇ હબીબભાઇ નાકાણી (રહે. કોઠારીયા સોલવન્ટ) અને 30 વર્ષીય કરીનબેન ઉર્ફે ફરીદાબેન કરીમભાઇ શાહમદાર (રહે. કોઠારીયા સોલવન્ટ)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મુસ્તાકભાઇ રીક્ષા ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે, જ્યારે કરીનબેન કપડાના લે-વેચના વેપાર સાથે સંકળાયેલા છે. ખાસ વાત એ છે કે, આરોપી કરીનબેન અગાઉ પણ રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે