રાજકોટ સિટી બસની અનિયમિતતા અંગે ફરિયાદ કરતા અજાણ્યા શખસે ધમકી આપી
સ્માર્ટ સિટી રાજકોટમાં સરકારી તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવવો હવે સામાન્ય નાગરિકો માટે જોખમી બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજકોટ મનપા સંચાલિત સિટી બસની અનિયમિતતાની સામે અવાજ ઉઠાવનાર નાગરિક અક્ષય કંસારાને અજાણ્યા શખશે ફોન પર ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. મનપાની સિસ્ટમમાં રહેલી ક્ષતિઓ સામે ફરિયાદ કરવા બદલ નાગરિકને મળતી આ ધમકીએ મનપાના વહીવટી તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સમગ્ર મામલે ભોગ બનનારા નાગરિકે મનપા કમિશનરને અરજી કરતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સિટી બસ ન આવતા RMCના વોટ્સએપ નંબર પર ફરિયાદ નોંધાવી પ્રજાપતિ ચોક વિસ્તારમાં રહેતા અક્ષય કંસારાએ જણાવ્યું હતું કે, તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 12 વાગ્યે પ્રજાપતિ ચોકથી મહિકા ગામે જવા માટે 65 નંબરની RMTS બસની રાહ જોઈ રહ્યો હતો. મનપાની અધિકૃત ‘RRL SATHI’ એપ્લિકેશનમાં બસનો સમય 12:37 નો બતાવતો હોવા છતાં, કલાકો સુધી કોઈ બસ આવી નહોતી. આકરી ગરમીમાં મુસાફરો અને વૃદ્ધોની હાલાકી જોઈને પોતે જવાબદાર નાગરિક તરીકે મનપાના વોટ્સએપ નંબર પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, જેનો ફરિયાદ નંબર 25463118 હતો.
આ ફરિયાદના બે દિવસ બાદ, તારીખ 30 ડિસેમ્બર 2025ના રોજ મારા મોબાઈલ પર અજાણ્યા નં 7016207486 પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ અત્યંત ઉદ્ધત અને આક્રમક ભાષામાં ધમકી આપતા કહ્યું હતું કે, તેં ફરિયાદ કેમ કરી? હવે પછી જો ફરિયાદ કરી છે તો તારી ખેર નથી, જોઈ લેજે! આ ધમકીભર્યા ફોનથી તે પોતે અને પરિવાર ફફડાટમાં મૂકાઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ફરિયાદ માત્ર મનપાના રેકોર્ડમાં અને સંબંધિત બસના ડ્રાઈવર કે કંડક્ટર અને કોન્ટ્રાક્ટર પાસે હોય, તેની વિગત ત્રીજી વ્યક્તિ પાસે કઈ રીતે પહોંચી?