રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ હવે આગામી 22 ઓગસ્ટના રોજ 3 સાક્ષીને તપાસવામાં આવશે જેમાં ચાર્જશીટ મુજબ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર જે.પી. શાહ, ડો. એસ.ડી. ભુવા અને ડો. વી.જે અઘેરાને તપાસવામાં આવશે. જેથી તા. 22 ઓગસ્ટના રોજ ત્રણેય ડોક્ટરોએ પોતે કરેલા પોસ્ટમોર્ટમ અંગે જાણકારી કોર્ટ સમક્ષ જણાવશે.
આજ રોજ તમામ આરોપી દ્વારા સરકાર તરફે રજૂ થયેલા કેસને લગતા ડોક્યુમેન્ટ કબૂલ ન હોવાની લેખિત રજૂઆત કરી હતી. આ સાથે અન્ય આરોપીઓને જામીન આપવામાં આવ્યા તો મને પણ જામીન પર મુક્ત કરવો જોઈએ તેવી દલીલ ધવલ ઠક્કરે કરતા કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ધવલ ઠક્કર TRP ગેમઝોનની ધવલ કોર્પોરેશન પેઢીનો પ્રોપ્રાઇટર છે એટલે કે, મુખ્ય આરોપીઓ પૈકીનો એક આરોપી હોવાથી ધવલ ઠક્કરના જામીન ફગાવવામાં આવ્યા છે.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને આજે એક વર્ષ કરતા વધુ સમય થયો છે અને ચાર્જશીટ રજૂ કર્યા બાદ સેશન્સ કોર્ટમાં કુલ 24 મુદત પડી ચુકી છે. ગત 7 જુલાઈના રોજ કોર્ટે સાત આરોપીની ડીસચાર્જ અરજી રદ કરી બાદમાં 17 જુલાઈએ તમામ આરોપીઓને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું અને કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. આ પછી આરોપીઓના વકીલ દ્વારા સમયની માંગણી કરવામાં આવતા કોર્ટે 8 ઓગસ્ટ મુકરર કરતા આજે કોર્ટ દ્વારા કેસમાં આગળની તારીખ 22 ઓગસ્ટ જાહેર કરી આ દિવસે 3 સાક્ષીને તપાસવામાં આવશે. મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર જે.પી.શાહ, ડો. એસ.ડી.ભુવા અને ડો. વી.જે.અઘેરાને તપાસવામાં આવશે જેથી તારીખ 22 ઓગસ્ટના રોજ ત્રણેય ડોક્ટર પોતે કરેલા પોસ્ટમોર્ટમ અંગે જાણકારી કોર્ટ સમક્ષ જણાવશે.