રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર કાઢવામાં આવ્યા હતા. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, શાસકોને રાજકોટમાં પડેલા ખાડા દેખાતા જ નથી. મ્યુ.કમિશ્નરે લેખિતમાં ખાડા બુરવામાં આવ્યા તેવું આપ્યું અને ભાજપના શાસકો કહે છે ખાડા નથી. રાજકોટમાં ખાડા પુરવામાં અધિકારીઓની ઢીલાશ છે. જોકે કોર્પોરેટર વિનું ઘવાએ રાજકોટમાં ખાડા જ નહી હોવાનું જણાવ્યું હતું. તો મેયરે કહ્યું, રાજકોટમાં ખાડા પુરવાની કામગીરી સારી રીતે ચાલે છે, કોંગ્રેસ માત્ર ખોટા નાટક કરે છે. આજનાં બોર્ડમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી કરવા EDને મંજૂરી આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં શહેરમાં ખાડારાજનાં આરોપ સાથે વિપક્ષના ચારેય નગરસેવકોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા હતા. અને ચાલુ બોર્ડમાં તેમજ રામનાથ મહાદેવને ગંદકી મુક્ત કરવાનાં બેનરો બતાવતા માર્શલોએ ખેંચી લીધા હતા. જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો કરતા મેયરનાં આદેશ બાદ ફાયર વિભાગના માર્શલો દ્વારા આ તમામ કોંગી કોર્પોરેટરોને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જેને લઈને વિપક્ષ નેતા સાગઠિયાએ 'હાય રે ભાજપ હાય હાય'નાં નારા લગાવ્યા હતા.
જનરલ બોર્ડ પૂર્વે વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હાલ મામુલી વરસાદમાં રાજકોટમાં ઠેર-ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે. જેને લઈને તંત્રને જગાડવા માટે અમે કમર અને હાથમાં પાટા બાંધીને પહોંચ્યા છીએ. ભાજપનાં આ ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા માટે તેઓએ હાથ અને કમરમાં પાટા બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતાની ઉંમર 60 વર્ષની હોવાનું જણાવી અને સિનિયર સિટીઝનોને પડતી મુશ્કેલી રજૂ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતી. સાથે જ તેમણે રસ્તામાં ખાડાનાં ફોટાઓ રજૂ કર્યા હતા. જોકે ભાજપનાં કોર્પોરેટર વીનું ધવાએ રાજકોટમાં હાલ ખાડા નહીં હોવાનો અને અધિકારીઓ યોગ્ય રીતે કામ કરતા હોવાનો લુલો બચાવ કર્યો હતો.