રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૮ કિ.મી.થી વધુના માર્ગો મોટરેબલ કરાયા

રાજકોટ, તા. ૧૫ જુલાઈ - રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત હસ્તકના વિવિધ માર્ગો પર ભારે વરસાદના કારણે પડેલા ખાડા, ગાબડાં પૂરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ છે. હાલમાં ૩૮ કિલોમીટર જેટલા વિસ્તારમાં ખાડા-ગાબડાં બૂરીને માર્ગ સમથળ કરીને મોટરેબલ કરી નાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય સ્થળોએ કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજકોટ જિલ્લા રાજ્ય માર્ગ અને મકાનના કાર્યપાલક ઈજનેર શ્રી એસ. આર. પટેલે આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળેલા નિર્દેશ મુજબ, રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય તથા પંચાયત) હસ્તકના તૂટેલા માર્ગોને રિપેરિંગ કરવાની કામગીરી રોજેરોજ કરવામાં આવી રહી છે. રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તક રાજકોટ જિલ્લામાં હાલ ૧,૩૦૦થી વધુ કિલોમીટરના માર્ગો છે. તેમાંથી વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થઈ જવાથી ૮૦ કિ.મી. જેટલા માર્ગો મરામત કરવાપાત્ર હોવાનું સર્વેમાં સામે આવ્યું હતું. જેમાંથી ૫૦ ટકા માર્ગો પર મરામતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આ માર્ગો મોટરેબલ કરી દેવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, આસ્ફાલ્ટ વર્ક, કોંક્રીટ વર્ક તેમજ બ્લોક પેવિંગથી ખાડા-ગાબડાઓને પૂરી દેવામાં આવ્યા છે. જે માટે કુલ ૧૦ જે.સી.બી., ૧૪ ડમ્પર, ૦૪ રોલર, ૧૮ ટ્રેક્ટર, બે પેવર મશીન તેમજ ૮૦થી વધુ શ્રમયોગીઓ યુદ્ધના ધોરણે સતત કાર્ય કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં બ્રિજની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત હસ્તકના કુલ ૪૯૫ જેટલા બ્રિજ આવેલા છે. તેમાંથી નબળી સ્થિતિમાં રહેલા ૨૬ જેટલા બ્રિજની તપાસની કામગીરી ડિઝાઈન સર્કલ તથા કન્સલ્ટન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવેલી છે. જેમાંથી એક બ્રિજની સ્થિતિ જોખમી જણાતા તેને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૯૨૭ -ડી (ધોરાજી — જામકંડોરણા— કાલાવડ) રોડ પર ભાદર નદી પર વેગડી ગામ નજીક આવેલો મેજર બ્રિજ હેવી ગુડ્સ વેહિકલ/ હેવી પેસેન્જર મોટર વ્હીકલની અવરજવર માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.