રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ૫૨૯ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ કીટ, NFSA હુકમ પત્ર અને રેશનકાર્ડનું વિતરણ કરાયું
રાજકોટ તા. ૧૧ જુલાઈ - મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય મેળવતા લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ કીટ, NFSA હુકમ પત્ર અને રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને રાજકોટ જિલ્લાના ૫૨૯ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.

રાજકોટના આત્મીય યુનિવર્સિટી ઓડીટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકના મહત્વપૂર્ણ અધિકાર - ખોરાકની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છે. ગુજરાત સરકારનું 'અન્ન સંતૃપ્તિકરણ અભિયાન' રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ના માધ્યમથી ગરીબ અને નબળા વર્ગના લોકો સુધી પોષણયુક્ત ખોરાક પહોંચાડવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ છે.
મંત્રી શ્રી બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આહાર, આવાસ અને આરોગ્ય થકી ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ કરવાનો સંકલ્પ યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. પ્રજા વત્સલ પ્રધાનમંત્રીશ્રીએ હંમેશા ભુખ્યાને ભોજન મળી રહે અને દરેક જરૂરીયાતમંદ નાગરિકને નિ:શુલ્ક પોષણક્ષમ અનાજ મળી રહે તેની સતત ચિંતા કરી છે. તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરતમાં અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતનાં બે લાખથી વધુ લાભાર્થીઓને ’પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ નાં વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ સંદર્ભમાં આજે આ પવિત્ર અભિયાનરૂપી ભગીરથ કાર્યને આપણે રાજકોટ દ્વારા અત્રેથી આગળ ધપાવ્યો છે.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ રાજ્યનાં ૭૬.૬ લાખ રેશનકાર્ડ ધારકો કે જેમાં ૩.૭૨ કરોડની વસ્તીનો સમાવેશ થાય છે. આ તમામ લાભાર્થીઓને અન્ન સુરક્ષાની સાથે-સાથે પોષણ સુરક્ષા પુરી પાડવા, દર મહિને પ્રતિ કાર્ડ ૧ કિલોગ્રામ ચણા, ૧ કિલો તુવેરદાળ, ૧ કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠુ, ખાંડ તથા વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળી દરમ્યાન કાર્ડ દીઠ ૧ લીટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે, તેમ મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારનું 'અન્ન સંતૃપ્તિકરણ અભિયાન’ એ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩નો જ એક ભાગ છે, જેનો હેતુ વૃધ્ધ, વિધવા તથા દિવ્યાંગ લોકોને આ યોજના હેઠળ સમાવેશ કરી, તેઓને પોષણયુક્ત અનાજ પહોંચાડવાનો છે. જે અભિયાન હેઠળ ગંગાસ્વરૂપા બહેનો-૧૬,૮૪૩, વૃધ્ધ વ્યક્તિઓ-૨૨,૨૦૦ તથા દિવ્યાંગ વ્યક્તિઓ-૨૪,૩૧૩ એમ કુલ ૬૩,૩૫૬ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. દરેક નાગરિક રાશન સંબંધિત તમામ જાણકારી પોતાનાં ઘરે બેઠા-બેઠા પોતાના મોબાઈલમાં એક ક્લીકથી મેળવી શકે તે માટે અન્ન, નાગરિક અને પુરવઠા વિભાગ દ્વારા My Ration App લોન્ચ કરવામાં આવી છે. જેનો લાભ ૯૪ લાખથી વધુ લોકો મેળવી રહ્યા છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના વિભાગ માટે કુલ રૂ.૨૭૧૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. NFSA રાશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે રૂ.૭૬૭ કરોડ, NFSA હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેની અનાજ પૂરું પાડવા રૂ. ૬૭૫ કરોડની જોગવાઈ, NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે રૂ.૧૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, શ્રીઅન્ન (મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ ઉપરાંત રૂ.૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા રૂ.૩૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે રાજકોટ જિલ્લામાં થયેલી કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, એન.એફ.એસ.એ. ૨૦૧૩ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની કુલ ૭૧૫ દુકાનો આવેલ છે ત્યાંથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિના મુલ્યે, સમયસર રીતે રાજકોટ જિલ્લામાં કુલ -૭૧૫ વાજબી ભાવની દુકાનેથી દર માસે અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ તથા આવશ્યક ચીજવસ્તુઓનું સરકારશ્રીની જોગવાઈ મુજબ વિનામૂલ્યે તથા રાહત ભાવથી વિતરણ સમયસર, સુચારૂ અને સુદ્રઢ રીતે થાય છે. હાલ રાજકોટ જિલ્લામાં કુલ-૩,૨૨,૨૪૭ કુટુંબોની ૧૩,૨૫,૬૬૩ જનસંખ્યા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.) અંતર્ગત અનાજ તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવે છે. 'વન નેશન વન રેશનકાર્ડ’ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં માહે મે-૨૦૨૫ના માસમાં ૨૩,૨૪૯ અને માહે જુન-૨૦૨૫ના માસમાં ૧૫,૬૬૯ રેશનકાર્ડ પર પોર્ટેબીલીટીથી ટ્રાન્ઝેક્શન થયેલ છે.રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC કરવા અંગેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ડૉ દર્શિતાબેન શાહ, અન્ન અને પુરવઠા વિભાગના સંયુક્ત નિયામક શ્રી ચેતન ગાંધી,પુરવઠા અધિકારી શ્રી વિમલ ચક્રવર્તી સહિતના અધિકારીશ્રીઓ કર્મચારીઓ તથા લાભાર્થી સૌથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦