રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિર્માણાધીન સાંઢિયાપુલની કામગીરી દરમિયાન ટેકા ખસી જતા સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે આસપાસ કોઈ કામદાર હાજર ન હોય મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ આ ઘટનાએ નિર્માણકાર્યની ગુણવત્તા અને સલામતી પર સવાલો ઊભા કર્યા છે. આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ-જામનગર હાઈવે પર વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવા માટે સાંઢિયા પુલના નવીનીકરણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જૂના પુલને ડિસમેન્ટલ કરીને નવા પુલનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે. ગઈકાલે( 1 ઓગસ્ટે) બપોરના સમયે, જ્યારે પુલના એક સ્લેબને બેસાડવાની કામગીરી ચાલી રહી હતી, તે સમયે સ્લેબને ટેકો આપવા માટે લગાવવામાં આવેલા ત્રાપા (ટેમ્પરરી સપોર્ટ સ્ટ્રક્ચર) અચાનક ખસી ગયા હતા. આ ટેકા ખસી જતાં સ્લેબ તરત જ એક તરફ નમી ગયો અને તેના કારણે છતમાં એક મોટું ગાબડું પડી ગયું હતું.
મજૂરો અને કર્મચારીઓ દૂર હોવાથી મોટી દુર્ઘટના ટળી સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ઘટના બાદ પુલના નિર્માણ સ્થળ પર ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. મજૂરો અને અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળેથી દૂર દોડી ગયા હતા. જોકે, થોડા સમય બાદ જ્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ત્યારે આ ઘટનામાં કોઈને ઈજા ન થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારીઓ, કોન્ટ્રાક્ટર કંપનીના ઈજનેરો અને અન્ય પદાધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તાત્કાલિક અસરથી બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગને સુધારવા કામગીરી શરૂ કરી હતી.