રાજકોટ 5 દિવસના સ્થાપિત બાપાને ભારે હૈયે લોકોએ આપી વિદાય

ગણપતિ મહોત્સવનો પાંચમો દિવસ છે ત્યારે ઠેર-ઠેર 'અગલે બરસ તું જલ્દી આ'નાં નારા સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ માટે મનપા દ્વારા શહેરમાં છ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ 50થી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો હતો. વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો પણ સતત સતર્ક રહી વિસર્જન સ્થળે બંદોબસ્તમાં જોડાયા હતા. લોકોએ પાંચ દિવસ વિધિવત રીતે ગણપતિની પૂજા-અર્ચના કરી ભારે હૈયે વિદાય આપી હતી.
ઢોલ-નગારાના તાલે લોકોએ ગણપતિ બપ્પાને ભારે હૈયે વિદાય આપી ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ કરી 3, 5, 7 અને 10 દિવસ માટે લોકો પોતાના ઘર, સોસાયટી, શેરી-ગલ્લી અને શાળા કોલેજમાં ગણપતિની સ્થાપના કરી બપ્પાની પૂજા-અર્ચના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરતા હોય છે. આજે પાંચમો દિવસ અને રવિવાર હોવાથી રાજકોટમાં ગણપતિ બાપાના વિસર્જન માટે લોકો મનપાએ નિયત કરેલ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ઢોલ-નગારાના તાલે લોકો ભારે હૈયે 'અગલે બરસ તું જલ્દી આ'ના નાદ સાથે વિદાય આપી હતી.
શહેરમાં આજી-1 ડેમ ખાણ એક અને બે, ઓવરફ્લો સાઈડ, ન્યારા સહીત કુલ છ જગ્યાઓ વિસર્જન માટે નક્કી કરવામાં આવી હતી, જ્યાં આજે પાંચમા દિવસે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.