પરંપરા અને પ્રગતિના સુમેળનું અનોખું પ્રતિક : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનો હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ : નાના-મોટા ૧૦૦થી વધુ યુનિટ કાર્યરત : ૭ હજારથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે
વાઈબ્રન્ટ ગુજરાત જેવા મંચ થકી આજે અમારી કળા વિશ્વ સુધી પ્રસરી છે : હેન્ડીક્રાફ્ટ વસ્તુઓના ઉત્પાદક
જસદણના હેન્ડીક્રાફ્ટે ખોલ્યા રોજગારી અને નિકાસના નવા દ્વાર-લંડનમાં જસદણના કારીગરો દ્વારા બનાવેલા મંદિરો અને સ્પેનમાં જ્વેલરી બોક્સની ખૂબ માંગ
આલેખન - હેમાલી ભટ્ટ
ગુજરાત રાજ્ય વિકાસ, ઉદ્યોગ અને ટેક્નોલોજીનાં ક્ષેત્રે સતત વિકાસનાં શિખરો સર કરી રહ્યું છે. આપણાં રાજ્યના મૂળમાં વસેલી પરંપરા અને કલાનો વારસો વિશ્વભરમાં ગૌરવપૂર્વક ઝળહળી રહ્યો છે. ત્યારે આગામી ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનું આયોજન રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે. ત્યારે વિકાસ, રોકાણ અને ઉદ્યોગની ચર્ચાઓ વચ્ચે આ કોન્ફરન્સ એક મહત્વપૂર્ણ સંદેશ એ પણ આપે છે કે ગુજરાતનો વિકાસ કલા ક્ષેત્રે પણ અતૂટ રીતે જોડાયેલો છે. પરંપરા અને પ્રગતિના સુમેળનું અનોખું પ્રતિક છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનો હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ…

જસદણના કારીગરો દ્વારા તૈયાર કરાતી દરેક કૃતિમાં ગ્રામ્ય જીવનની સુગંધ અને કુશળતાનો વારસો જીવંત થાય છે. આ કલા આજે માત્ર સ્થાનિક બજારો સુધી સીમિત નથી; વિશ્વના વિવિધ દેશોમાં ગુજરાતની ઓળખ તરીકે ગર્વથી પ્રસ્તુત થઈ રહી છે.
લાકડું, પતરું, એલ્યુમિનિયમ ફોઈલ જેવી સામગ્રી અન્ય વિસ્તારોમાંથી મંગાવી, અહીનાં કુશળ કારીગરો દ્વારા બાજોઠ, ડ્રાયફ્રુટ બોક્સ, જ્વેલરી બોક્સ જેવી વસ્તુઓ તૈયાર થવા લાગી. આજે આ પ્રકારની હસ્તકલા માત્ર ઘરગથ્થુ ઉપયોગ પૂરતી સીમિત નથી, પરંતુ ગિફ્ટ આર્ટિકલ અને નિકાસક્ષેત્રમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે.

જસદણ ખાતે છેલ્લા ૨૦ વર્ષથી હેન્ડીક્રાફ્ટના ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રી વિપુલભાઈએ જણાવ્યું હતું કે, "અમે જસદણનો પરંપરાગત ઉદ્યોગ આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ. હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ માટેનો કાચો માલ અમે અલગ અલગ સ્થળેથી મંગાવીએ છીએ. જેમ કે એલ્યુમીનીયમ ફોઈલ અમે અમદાવાદથી મંગાવીએ છીએ. લાકડામાંથી બનતી વસ્તુઓ માટેનો કાચો માલ ગાંધીધામ અને અલંગ-ભાવનગરથી તેમજ અંકલેશ્વરથી આવે છે. ડ્રાયફુટ બોક્સ, પટારા, બાજોઠ તેમજ સુશોભનની અનેક વસ્તુઓ જસદણ ખાતે જ તૈયાર થાય છે. અમે અહીંથી ઉત્પાદિત થયેલી હેન્ડીક્રાફ્ટ વસ્તુઓની નિકાસ પણ કરીએ છીએ. લંડનમાં અમારા દ્વારા બનાવેલા મંદિરો તથા સ્પેનમાં જ્વેલરી બોક્સની ખૂબ માંગ છે."
વાઈબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ વિશે વાત કરતા શ્રી વિપુલભાઈએ જણાવ્યું હતું કે, "સરકારશ્રીની પ્રોત્સાહક નીતિ અને વાઈબ્રન્ટ ગુજરાત જેવા મંચ થકી આજે અમારી કળા વિશ્વનાં અનેક દેશો સુધી પ્રસરી છે. છેલ્લા દસ વર્ષમાં અમારો વ્યવસાય ખૂબ વિસ્તર્યો છે અને જસદણ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ખરીદવાનું વન સ્ટોપ ડેસ્ટીનેશન બન્યું છે."

હેન્ડીક્રાફ્ટના વ્યવસાય સાથે જોડાયેલા રાજેશભાઈ સોલંકી જણાવે છે કે, "મારા પિતાજી ૧૯૭૦થી હેન્ડક્રાફ્ટના ઉદ્યોગ સાથે જોડાયા હતા. આધુનિકતા સાથે કદમ તાલ મિલાવતા અમે અનેક પ્રકારની વસ્તુઓ બનાવીએ છીએ. નાની પટારીથી માંડી બજારમાં જે પ્રમાણે માંગ હોય તે રીતે અમે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ. અત્યારે બેંગલ બોક્સ, મુખવાસદાની જેવી અનેક વસ્તુઓ અહીં જ બને છે. હેન્ડીક્રાફ્ટના ઉદ્યોગ સાથે પાંચ હજારથી વધુ લોકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. આ વસ્તુઓ અત્યારે ગિફ્ટ આર્ટીકલ માટે પણ લોકો ખરીદે છે, સાથેસાથે વિદેશમાં પણ નિકાસ થાય છે. આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વોકલ ફોર લોકલ'ના સૂત્રને સાર્થક કરતા જસદણમાં ધંધાર્થીઓ અને કારીગરો કામ કરી રહ્યા છે. હેન્ડીક્રાફ્ટ્સની વસ્તુઓમાં ગુજરાતભરમાં જસદણનું નામ મોખરે છે."

વર્ષોથી હેન્ડીક્રાફ્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય એક ધંધાર્થી નટુભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, "પતરાની ફોઈલમાંથી અમે બાજોઠ તૈયાર કરીએ છીએ. અમારા દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું અમે રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં તેમજ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વેચાણ કરીએ છીએ. અમારી સાથે દસ ઘરની બહેનો જોડાયેલી છે, જેઓ આ કલાકૃતિઓને શણગારી તેમા મીનાકારી કરવાનું કામ કરે છે. આ રીતે તેમને પણ રોજગારી મળી રહે છે."
જસદણમાં હેન્ડીક્રાફ્ટના નાના-મોટા ૧૦૦થી વધુ યુનિટ કાર્યરત છે. જેમાં પાંચ-સાત હજારથી વધુ લોકો કામ કરી રહ્યા છે. જસદણનો હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ ગુજરાતની સંસ્કૃતિ, સ્વાવલંબન અને સર્જનાત્મક શક્તિનું જીવંત પ્રતીક બની રહ્યું છે. સૂક્ષ્મતા, રંગ અને શ્રમનાં સંગમ સમાન જસદણની મીનાકારીની કલાને આજે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત “વોકલ ફોર લોકલ અભિયાન”એ આવા કારીગરોને વૈશ્વિક અવસર આપ્યા છે. સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાત જેવા મંચ થકી પરંપરા અને ઉદ્યોગને એક સૂત્રમાં બાંધી, સ્થાનિક કળાને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવાની દિશામાં મજબૂત પગલા ભર્યા છે.