પરિવાર સાથે જમવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પાસે સમય નથી. ત્યારે તો અમુક વાર તો સ્થિતિ એવી હોય છે કે, પરિવારને પણ સમય નથી આપી શકતા. આ વચ્ચે હંમેશા ખુશ અને સ્વસ્થ રહેવા માટે અમેરિકા સહિતના દેશોમાં ડિનર થેરાપીનું ચલણ વધ્યું છે. જેમાં પારિવારિક ચિંતા ઓછી કરવાની સિક્રેટ ર્ફોમ્યુલા માને છે. અમેરિકન હાર્ટ એસોસિએશનનાં જણાવ્યાં અનુસાર 91% માતા-પિતા માને છે કે, સાથે બેસીને જમવાથી ચિંતા ઓછી થાય છે.
84% લોકોને પ્રિયજનો સાથે જ જમવાની ઇચ્છા
હેલ્ધી ફોર ગુડ મૂવમેન્ટના આધારે વેકફિલ્ડ રિસર્ચ દ્રારા 1000 અમેરિકી નાગરિકો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ પરથી ખબર પડી હતી કે, 84% લોકોને એવી ઇચ્છા હોય છે કે, તેઓ સાથે જમે કારણ કે સરેરાશ પુખ્ત વ્યક્તિ લગભગ અડધો સમય એકલા જ જમે છે. 3 પૈકી 2 લોકોએ કહ્યું હતું કે, તેઓ તણાવગ્રસ્ત છે અને 27% લોકો અત્યંત તણાવગ્રસ્ત છે.

બીજા સાથે જમવાથી ચિંતા ઓછી થાય
સંશોધનકર્તાનું કહેવું છે કે, સતત ચિંતાને કારણે હાર્ટની બીમારી અને એટેકનું જોખમ વધી જાય છે. જોન્સ હોપકિન્સમાં કાર્ડિયોલોજી વિભાગના સહયોગી નિર્દેશક, અમેરિકન હાર્ટ એસોસિએશનના પ્રોફેસર એરિન મિકોસ જણાવે છે કે, અન્ય લોકો સાથે જમવાથી તણાવ ઓછો થાય છે ને આત્મસન્માન વધે છે.

તો બીજી તરફ બાળકો માટે સામાજીક સંબંધમાં સુધારો કરવાની પણ આ એક સારી રીત છે. સાથે જમવાથી મિત્રો, કુટુંબીજનો, સહકાર્યકરો અને પડોશીઓ સાથે સંબંધનું મહત્વ સમજાય છે. તો બીજી તરફ અડધાથી વધુ (54%) લોકો માને છે કે એકસાથે જમવાથી તેમને કામ દરમિયાન વિરામ લેવાની યાદ આવે છે.
વિડિયો કૉલ દ્વારા એકસાથે જમી શકાય
10માંથી 6 લોકો માને છે કે જ્યારે તેઓ અન્ય લોકો સાથે જમે છે, ત્યારે તેઓ એવા ખોરાક ખાય છે જે સ્વાસ્થ્ય માટે વધુ સારું છે. જો તમે રૂબરૂ ભેગા ન થઈ શકો, તો તમે તણાવ ઘટાડવા માટે વીડિયો કૉલ દ્વારા ભોજન પણ કરી શકો છો.