પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો
રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના ભાઈ અભિષેક તુષારભાઈ વ્યાસ (ઉ.વ.28) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ડોલીબેનના પતિ અમિત ચંદ્રકાંતભાઈ આચાર્ય અને મિત્ર જય મનોજભાઈ સોનગરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડોલીબેનના લગ્ન વર્ષ 2021માં અમિત આચાર્ય સાથે થયા હતા અને છેલ્લા દોઢે વર્ષથી બહેન રાજકોટ રહેતી હતી. 15 નવેમ્બર 2025ના સાંજના 7 વાગ્યા આસપાસ બનેવી અમિતકુમારનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મેં અને તમારા બહેન ડોલીએ છૂટાછેડા લેવા માટે કોર્ટમાં પ્રોસેસ શરૂ કરી છે અને સોમવારે કોર્ટમાં મુદત છે. ડોલીને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો જેથી મેં મારા મિત્ર જય સોનાગ્રાને ડોલીના ઘરે જવા માટે કહ્યું હતું ત્યારે જય ઘરે પહોંચતા ડોલીએ ગળાફાંસો ખાઈ લીધો છે તેમ જણાવ્યું હતું.
15 દિવસથી મિત્ર જય સોનગરા સાથે રહેતી હતી ડોલીબેનનો પતિ ઝઘડા કરી હેરાન પરેશાન કરતો હતો અને પોતે કોઈ કામ ધંધો કરતો ન હતો. આ બાબતે ડોલીએ અવારનવાર માવતરને વાત કરી હતી. ડોલી શુભ એપાર્ટમેન્ટમાં રહેતી હોય ત્યાં આજુબાજુના રહીશો પાસેથી પરિવારને જાણવા મળ્યું હતું કે, ડોલી 15 દિવસથી જય મનોજભાઈ સોનગરા સાથે ભાડેથી રહેતી હતી અને બે દિવસ પહેલા જય અને ડોલી વચ્ચે ઝઘડો થયો હતો. જય સોનગરાએ પોતે ડોલી સાથે છ મહિનાથી રિલેશનમાં હોવાનું જણાવ્યું હતું. આમ પરિણીતાને પતિ અમિતકુમાર આચાર્યએ શારીરિક માનસિક ત્રાસ આપ્યા બાદ તેનો પુરુષ મિત્ર જય સોનગરા પણ છએક મહિનાથી રિલેશનમાં હોવાથી તે દરમિયાન ત્રાસ આપતા બંનેના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.