પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા
દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના 11 વાગ્યા બાદ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ગઈકાલે પણ ડીસીપી ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ SOGની ટીમોએ મોડી રાત્રે 3 વાગ્યા સુધી A ડિવિઝન, ભક્તિનગર, યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
અસામાજિક તત્વોના અડ્ડા બની રહેલા પાનના ગલ્લા અને ચાની ટપરીઓ પર પોલીસ પહોંચતા જ લોકો હાથમાં રહેલી ચાની રકાબી મૂકીને દોટ મૂકતા જોવા મળ્યા હતા. આ ચેકિંગ ઝુંબેશ માત્ર લુખ્ખા અને આવારા તત્વો સામે જ છે, અને હવેથી દરરોજ આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં ગત 29 ઓક્ટોબરના રોજ મોડી રાત્રિના કુખ્યાત પેંડા ગેંગ અને મૂર્ધા ગેંગ વચ્ચે સામસામે થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટના બાદ રાજકોટના વધતા હતા ક્રાઇમ રેટને અટકાવવા શહેર પોલીસ સફાળી જાગી ઉઠી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વોના અડ્ડો બની રહેલા પાનના ગલ્લા, ચાની ટપરી, ખાણી પીણીની લારીઓ સહિતના બંધ કરાવવામાં આવી રહ્યા છે. સાથો સાથ મોટર વ્હીકલ એક્ટ 185 તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને GP એક્ટ 135 મુજબ ગુના દાખલ કરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.