પંડ્યાની વાપસીથી ટીમ સંતુલિત થશે; કાલે સાઉથ આફ્રિકા સામે પ્રથમ T-20
ભારતના T-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું કહેવું છે કે હાર્દિક પંડ્યાની વાપસીથી ટીમને ફરીથી તે સંતુલન મળી ગયું છે જેની કમી અનુભવાઈ રહી હતી. હાર્દિક નવા બોલથી બોલિંગ કરે છે, જેનાથી ટીમ ઘણા પ્રકારના પ્લેઇંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતારી શકે છે.
હાર્દિક ઈજાને કારણે એશિયા કપની ફાઇનલ રમી શક્યા ન હતા, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે ફિટ છે અને શાનદાર લયમાં પાછા ફર્યા છે. તેમની હાજરીથી ભારત ત્રણ કે ચાર સ્પિનરો સાથે પણ સરળતાથી રમી શકે છે.
સૂર્યકુમારે સ્વીકાર્યું કે ICC ટુર્નામેન્ટની મોટી મેચોમાં હાર્દિકનો અનુભવ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેપ્ટને એમ પણ જણાવ્યું કે શુભમન ગિલ હવે સંપૂર્ણપણે ફિટ છે અને પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે. સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની T-20 સિરીઝનો પ્રથમ મુકાબલો મંગળવારે કટકમાં રમાશે.
કેપ્ટન સૂર્યકુમારે જણાવ્યું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વાઇસ-કેપ્ટન શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે.
એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા હાર્દિક હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની ફિટનેસ સાબિત કર્યા બાદ તેની વાપસી થઈ છે. સૂર્યાએ કહ્યું કે, જ્યારે હાર્દિક નવી બોલથી બોલિંગ કરે છે, ત્યારે અમને પ્લેઈંગ ઈલેવનમાં 3થી 4 સ્પિનરોને રમાડવાની છૂટ મળે છે.
ગરદનમાં જકડાઈ જવાને કારણે ગિલ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ અને વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.