પંચનાથ પ્લોટ ચોરીમાં ઘરઘાટી જ ચોર નીકળ્યો, મંકી કેપ પહેરી 9 ફૂટની દિવાલ કૂદી ચોરીને અંજામ આપ્યો

રાજકોટમાં થયેલી રૂ.67.36 લાખની ચોરીની ઘટનાનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે પરંતુ, અહીં મહત્વની વાત એ સામે આવી છે કે ચોરોએ પોતે પકડાઈ ન જાય તે માટે સાવરીયા શેઠને રૂ. 20,000 ધર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરના પંચનાથ પ્લોટમાં એપેક્ષ એડવાર્ટાઈઝીંગ નામે વ્યવસાય કરતા જલાધીભાઈ અજીતભાઈ ઝવેરીના મકાનમાંથી રૂ.67.36 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરી થઈ ગઈ હતી. જે અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી CCTVમાં કેદ 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા.
ચોરીનો મુદ્દામાલ કબજે થઈ જતા કોર્ટે રિમાન્ડ મંજૂર ન કર્યા જેમાં અગાઉ સાડા ચાર વર્ષ ઘરઘાટી તરીકે કામ કરી ચૂકેલા ગોપાલ મીણા સહિત ત્રણ શખસોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય શખસો રાજસ્થાનના ડુંગરપુર ભાગી ગયા હતા. જોકે, પોલીસે તેઓને ત્યાંથી ઝડપી પાડ્યા હતા. ત્રણેય શખસોના પોલીસે કોર્ટમાં આજે રિમાન્ડ માંગ્યા ગયા હતા પરંતુ, ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે થઈ જતા કોર્ટે એક પણ દિવસના રિમાન્ડ આપ્યા નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પંચનાથ પ્લોટમાં જલાધીભાઈ ઉપરાંત તેના પત્ની સહિતનો પરિવાર રહે છે. જ્યારે નીચેના માળે તેના દાદાનો રૂમ હોય ત્યા લાકડાના કબાટમાં સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ રાખી હતી. કબાટની ચાવી દાદા તુષારભાઈના કોટમાં રાખતા હતા. તા.15મી ઓગસ્ટના ધંધાની રકમ રૂ.10.50 લાખની રોકડ કબાટમાં રાખી હતી અને ચાવી તેના કોટમાં રાખી હતી. બાદમાં તા.4 સપ્ટેમ્બરના રોજ તુષારભાઈને પૈસાની જરૂર પડતા કબાટની ચાવી મળી નહોતી. જેથી, બહારથી માણસો બોલાવી કબાટ ખોલી તિજોરી તોડતા રોકડ અને દાગીના ગાયબ હોવાથી પરિવારે શોધખોળ કર્યા બાદ જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બોરીસાગર સહિતની ટીમે પહોંચી તપાસ કરી હતી.