ઇમ્પેક્ટ ફીની 7800 અરજીમાંથી માત્ર 12 મંજૂર, 4 ફગાવી દેવાઈ

રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલી બનાવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિ. પાસે આવેલી 7800 અરજમાંથી 12 અરજી મંજુર કરવામાં આવી છે જ્યારે 4 અરજીમાં બાંધકામ કટ ઓફ ડેટ પછી શરૂ થયું હોવાથી ફગાવી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચન કર્યું છે.
શહેરમાં ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા માટે શરૂ કરાયેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં મ્યુનિ. વિસ્તારમાંથી 7800 અરજીઓ પ્રાપ્ત થઇ હોવાની માહિતી અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટીને આપી હતી. દરમિયાન આ અરજીઓ પૈકી કેટલી મંજુર થઇ તે બાબતે પૂછતાં જણાવાયું હતું કે, 16 અરજીનો નિકાલ થયો છે, જેમાં 12 મંજૂર અને 4 નામંજૂર થઇ છે. જે અરજીઓની તપાસ કરીને તેને મંજૂર કે નામંજૂર કરવાની કામગીરી બાકી હોય તેવી અરજી પર સત્વરે નિર્ણય લેવા સ્ટેન્ડિંગ કમિટીએ સૂચવ્યું છે.