ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલો કરનાર સાજિદ ભારતીય
ઓસ્ટ્રેલિયામાં 14 ડિસેમ્બરે સિડનીના બોન્ડી બીચ પર યહૂદી લોકો પર હુમલો કરનાર આતંકી સાજિદ અકરમ ભારતનો હતો. 50 વર્ષીય સાજિદ મૂળ તેલંગાણાના હૈદરાબાદનો રહેવાસી હતો.
તેણે હૈદરાબાદથી B.Com કર્યું હતું અને સ્ટુડન્ટ વિઝા પર નોકરીની શોધમાં નવેમ્બર 1998માં ઓસ્ટ્રેલિયા ગયો હતો. બાદમાં તેણે યુરોપિયન મૂળની મહિલા વેનેરા ગ્રોસો સાથે લગ્ન કર્યા અને ત્યાં જ કાયમી ધોરણે સ્થાયી થયો.
સાજિદ પાસે હજુ પણ ભારતીય પાસપોર્ટ હતો. સાજિદના પરિવારના સભ્યોએ 2 મીડિયા હાઉસને જણાવ્યું છે કે, તેમણે ઘણા વર્ષો પહેલા જ સાજિદ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, કારણ કે તેણે એક ખ્રિસ્તી મહિલા સાથે લગ્ન કર્યા હતા.
સાજિદનો પુત્ર નવીદ અકરમ (24 વર્ષીય) ઓસ્ટ્રેલિયન નાગરિક છે. સાજિદને એક પુત્રી પણ છે. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ ભારતમાં સાજિદ સામે કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
આ આતંકી હુમલામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ છે. આતંકી સાજિદ પણ પોલીસ ફાયરિંગમાં માર્યો ગયો છે, જ્યારે તેનો પુત્ર ઘાયલ થયો છે.