પત્નીના બીજા લગ્નની જાણ થતાં પતિ મુંબઈથી સીધો મંડપમાં પહોંચ્યો

ડિંડોલીમાં બનેલી અનોખી ઘટનામાં પત્ની બીજા લગ્ન કરવા જઇ રહી હતી જેની જાણ થતાં પતિ મુંબઇથી સીધો સુરત લગ્નના મંડપમાં પહોંચી ગયો હતો. જ્યારે પત્નીના પિયરપક્ષે ધમકી આપતાં પતિએ પોલીસ બોલાવી હતી. પોલીસે પત્ની રિનલ સાબલે, તેના પિતા રમેશ નરવડે, સુનિતા નરવડે, તેજલ નરવડે અને અનિકેત બોરાડે ( રામાયણ પાર્ક, નવાગામ ડિંડોલી) સામે ગુનો દાખલ કર્યો હતો. મુંબઇ રહેતા ફરિયાદી સ્વપનિલ તાનાજીના પ્રેમલગ્ન તેની મામાની દીકરી રિનલ સાથે 2017માં મુંબઇમાં થયા હતાં. જેની નોંધણી મુંબઇ મહાનગરપાલિકામાં કરાવી હતી.
લગ્નના 5 દિવસ પછી પરિવાર મુંબઇ જઇ રિનલને સુરત લઇ આવ્યો હતો. વર્ષ 2018માં રિનલની ફરિયાદ પર ડિંડોલી પોલીસે પતિ અને તેના પરિવારની અટક કરી હતી. રિનલના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં જોતા સ્વપ્નિલ સુરત આવ્યો હતો. પોતાની પત્નીના બીજા લગ્ન અટકાવવા જતાં માથાકૂટ થઇ હતી. જોકે પોલીસે જણાવ્યું હતું કે રિનલે બીજા લગ્ન કરી લીધાં છે.