હવે લોકો ફિટ રહેવા, મેન્ટલ હેલ્થ સુધારવાની રીતને વધુ સર્ચ કરી રહ્યા છે : ગૂગલ

2022 પૂરું થવાને હવે ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે 2022 દરમિયાન લોકોને શેમાં રસ રહ્યો હતો અને કોને નજરઅંદાજ કર્યું હતું એ અંગે માહિતી સામે આવી છે. દુનિયાભરમાં ગૂગલ સહિત અન્ય સર્ચ એન્જિમાં લોકો હવે કોવિડ અંગે સર્ચ કરવાનું ભૂલી ગયા છે. તાજેતરમાં ગૂગલે 2022ની ‘યર ઇન સર્ચ’ની યાદી જાહેર કરી છે. એ અનુસાર ગૂગલ પર દર સેકન્ડે 99 હજારથી વધુ વસ્તુઓને સર્ચ કરવામાં આવે છે. આ દરમિયાન સર્ચ હિસ્ટ્રી લોકોના રસ અને ટ્રેન્ડ્સ વિશે ખુલાસો કરે છે.
2022માં લોકોએ સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યું
વર્ષ 2022માં લોકોએ ફિટ અને વર્કઆઉટ કેવી રીતે કરવું, તણાવ દૂર કરવાની રીત, માનસિક અને શારીરિક વિકાસની રીત અંગે ગૂગલમાં સૌથી વધુ સર્ચ કર્યું હતું. છેલ્લાં બે વર્ષથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવેલા કોરોના સંબંધિત વિષયને લોકોએ નજરઅંદાજ કર્યો છે.
લોકોએ માનસિક સ્વાસ્થ્ય પર પુસ્તકો, પૉડકાસ્ટ અને જર્નલિંગ ટેક્નિકો વિશે જાણકારી એકત્ર કરી છે. આ વર્ષે અમેરિકામાં નેશનલ સુસાઇડ પ્રિવેન્શન લાઇફલાઇન શરૂ કરી હતી. એના માટે ઇમર્જન્સી નંબર 988 જાહેર કરાયો હતો, જે ગૂગલ સર્ચમાં સામેલ હતો.
આ વર્ષે વર્કઆઉટ ચર્ચાનો એક મોટો વિષય રહ્યો
બોડી વેઇટ વર્કઆઉટ માટે મોંઘાં ઉપકરણો ખરીદવા પડતાં નથી. લોકોએ ગૂગલ પર એને વધુ સર્ચ કર્યું છે. સ્ટ્રેસ કેવી રીતે ઘટાડવો, પેનિક અટેકને રોકવાની રીત અંગે પણ સર્ચ કર્યું. બાળકોનું માનસિક સ્વાસ્થ્ય તેમજ શ્વાસથી જોડાયેલી કસરત અંગે પણ સર્ચ કરવામાં આવ્યું હતું.