ભત્રીજાની હત્યા કરનારની બહેનના ઘરમાં ઘૂસી મકાન ખાલી કરવા ધમકી

નવા થોરાળાના માથાભારે શખ્સે સાગરીતો સાથે મળી મકાન પચાવી પાડવાના ઇરાદે ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. નવા થોરાળાના શખ્સના કરતૂત બાદ તેને ગત ફેબ્રુઆરી મહિનામાં 8 શખ્સો સાથે મળી કરેલી તોડફોડની ફરિયાદ પોલીસમાં નોંધાતા થોરાળા પોલીસે માથાભારે શખ્સને તેમજ સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નવા થોરાળા, ક્રિષ્ના પાર્ક-1માં રહેતા ભાનુબેન દાનાભાઇ બથવાર નામના પ્રૌઢાએ તેમના જ વિસ્તારમાં રહેતા માથાભારે શામજી મકવાણા અને અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ફેબ્રુઆરી મહિનામાં શામજી મકવાણાના ભત્રીજા સિદ્ધાર્થ ઉર્ફે રઘાની હત્યા થઇ હતી.
જે હત્યામાં તેના ભાઇ જગદીશ ગોહેલની સંડોવણી હોય તેનો ખાર રાખી ગત તા.18ની સાંજે પોતે ઘરમાં હતી ત્યારે શામજી મકવાણા અને તેની સાથે અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી ફળિયામાં ઊભા રહી ગાળો બોલતા હતા અને જોરજોરથી બોલતો હતો કે આ મકાન ખાલી કરી નાંખજો, નહિતર મકાન સળગાવી દઇશ અને તમને બધાને જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. ધમકીની સાથે બંને શખ્સોએ ફળિયામાં રહેલા બાથરૂમના દરવાજાઓ પર પાટા મારવા લાગ્યા હતા.
શામજી માથાભારેની છાપ ધરાવતો હોય પોતે ગભરાઇને મકાનના પાછળના દરવાજામાંથી ઘરની બહાર નીકળી ગઇ હતી અને પતિને વાત કરી હતી. જોકે, તે સમયે ખૂબ જ ગભરાઇ ગયા હોવાને કારણે ફરિયાદ કરી ન હતી. અંતે પરિવારજનોએ હિંમત આપતા પોલીસ કમિશનરને અરજી આપી હતી. જે અરજીના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.