મવડીના ચામુંડાનગરમાં ભાડે લીધેલી કારના બે શખસે કાચ તોડ્યાના બીજા જ દિવસે આગ લાગી
રાજકોટના મવડી વિસ્તારમાં શનિવારે મોડીરાત્રે ઘર પાસે રાખેલી ભાડાની મોંઘીદાટ કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં કાર આગમાં ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ બુઝાવી નાખી હતી. જોકે, આગ કયા કારણોથી લાગી અને કેટલું નુકશાન થયું તે હજુ જાણવા મળ્યું નથી. પરિવારજનોનો આક્ષેપ છે કે ભાડે લીધેલી વરના કાર ઘર પાસે રાખી હતી. શુક્રવારે 2 શખસે આવી કારના કાચ ફોડી ગયા હતા અને બાદમાં શનિવારે રાત્રે આ કાર આગમાં ખાખ થઈ ગઈ, જેથી આ આગ જાણીજોઈને કોઈએ લગાવી હોવાનો આક્ષેપ છે.
ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસ સ્થળે દોડી ગઈ રાજકોટના મવડી મેઈન રોડ ઉપર શાકમાર્કેટ આગળ ખીજડાવાળા ચોક પાસે ચામુંડાનગર શેરી નંબર 1માં રહેતા જ્યોત્સનાબેન રાઠોડે ઘરની બાજુમાં GJ 06 MD 9917 નંબરની ફોર-વ્હીલર કાર પાર્ક કરલી હતી. શનિવારે મોડીરાત્રે કારમાં આગ ભભૂકી ઉઠતા ફરિયાદી જ્યોત્સનાબેન સહિતના જાગી ગયા હતા અને ઘરમાંથી બહાર નીકળ્યા હતા. જોકે જોતજોતામાં પૂરી કાર સળગી ઉઠી હતી. જે અંગે મવડી ફાયર બ્રિગેડ વિભાગને કોલ કરવામાં આવતા રાત્રે 2.46 એ એક ફાયર ફાઇટર સાથે સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં સ્થાનિકોએ આગ બુઝાવી નાખી હતી. કારમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ દરમિયાન પોલીસની 112 જનરક્ષક પણ ત્યાં પહોંચી ગઈ હતી. આગને કારણે કારમાં કેટલું નુકસાન થયું તે પણ હજુ જાણવા મળ્યું નથી.
જાણી જોઈને કોઈએ આગ લગાવ્યાનો પરિવારનો આક્ષેપ પરિવારજનોનો આક્ષેપ છે કે, શુક્રવારે બે શખસ કારના કાચ તોડી નાસી ગયા હતા. બહારગામ જવા માટે જેમની પાસેથી કાર ભાડે લીધેલી હતી, તેમની સાથે બંને શખસને વાંધો હોવાથી તેમણે કાચ ફોડી નાખ્યા હતાં. શનિવારે રાત્રે અમે સૂતા હતા, ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી અને કાર આગમાં ખાખ થઈ. માત્ર ખોખું જ રહ્યુ છે, જેથી કોઈએ આગ લગાવી છે. માલવિયા નગર પોલીસ મથકમાં આ અંગે જાણકારી છે, પરંતુ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી.