મોંઘીદાટ ચાંદીએ હજારો કારીગરોની રોજીરોટી છીનવી
વિશ્વ વિખ્યાત બનેલા રાજકોટના સિલ્વર મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર હાલ મંદીનો ખુબ મોટો માર પાડ્યો છે. વૈશ્વિક જિયો પોલિટિકલ ઈશ્યુના કારણે બુકીયન માર્કેટમાં સતત ચાંદીના ભાવમાં થતા વધારાથી આજે રાજકોટના નાના-મોટા 1000થી વધુ કારખાના બંધ મૃતપાય હાલતમાં એટલે કે પાછલા વર્ષોમાં જે કામ કરતા એનું 5થી 10% જ કામ થઇ રહ્યું છે. રાજકોટના વેપારીઓને ગુજરાત બહાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાંથી ચાંદીના દાગીના બનાવવા કામ મળતું હતું જે પણ સાવ બંધ થઇ જતા રાજકોટની સામા કાંઠા વિસ્તારમાં આવેલ ચાંદી મેન્યુફેક્ચરિંગ યુનિટના હજારો કારીગરો બેરોજગાર બન્યા છે.
સામાન્ય રીતે દર વર્ષે સોના ચાંદીના ભાવમાં 10થી 20% ભાવ વધારો જોવા મળતો હોય છે, પરંતુ હાલની સ્થિતિની વાત કરવામાં આવ તો ચાંદીના ભાવમાં જે વધારો બે ત્રણ વર્ષનો એકસાથે આવતો તે ભાવ વધારો એક દિવસની મૂવમેન્ટમાં જોવા મળી રહ્યો છે. એટલે કે ચાંદીના ભાવમાં માત્ર એક જ દિવસની અંદર 25થી 30 હજાર રૂપિયા સુધીની મુવમેન્ટ જોવા મળતી હોય છે. ગત 23 જાન્યુઆરીના રોજ 3.27 લાખથી લઇ અને હાઈએસ્ટ 3.40 લાખ સુધી ભાવ વધઘટ દિવસ દરમિયાન નોંધાયો હતો. છેલ્લા એક જ મહિનાની અંદર ચાંદીમાં 44% જેટલો વધારો નોંધાયો છે જે ખુબ જ વધુ છે. માટે હવે વેપારીઓ પણ ભાવમાં ઘટાડો આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ ભાવ વધારાથી ધંધામાં ખુબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં લગભગ 1000થી વધુ નાના મોટા કારખાના આવેલા છે. જેમાં બેથી અઢી લાખ જેટલા લોકો સીધા કે આડકતરી રીતે ચાંદીના દાગીના બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ ચાંદીના વધતા ભાવને કારણે રિટેલ અને હોલસેલ વેપારીઓ તરફથી માત્ર જરૂર પૂરતી જ ખરીદી થઈ રહી છે. છેલ્લા એક વર્ષથી ચાંદીના ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે પાછલા વર્ષ 2025માં નવરાત્રી બાદથી વેપારીઓ અને કારીગરોને કામ ન મળતા કામ વગર બેસી રહેવાની સ્થિતિ ઉદભવી છે.