કોરોનાને રોકવા એક્શનમાં મોદી સરકાર: તાબડતોબ આપ્યા બે મોટા આદેશ, જાણો શું?

ચીનમાં BF.7 નામનો કોવિડ-19નો નવો વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ સાથે જ કેન્દ્ર સરકારે લોકોને માસ્ક પહેરવાની અને રસી લેવાની સલાહ આપી છે. દેશમાં BF.7ના કેસ નોંધાયા છે. જેમાં ત્રણ ગુજરાતમાં અને એક ઓડિશામાં નોંધાયા છે. આ બધાની વચ્ચે દેશમાં કોરોનાને ફેલાતો રોકવા માટે ભારત સરકાર એક્શનમાં આવી છે. ભારત સરકાર દ્વારા તાબડતોબ બે મોટા આદેશો આપવામાં આવ્યા છે.

તમામ રાજ્યોને લખવામાં આવ્યો પત્ર
દેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 મહામારીના સંચાલન માટે મેડિકલ ઓક્સિજનનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા પત્ર લખ્યો છે.

આ દેશોમાંથી આવતા મુસાફરો માટે લાગુ કરાશે એર સુવિધા પોર્ટલ
તો ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે એર સુવિધા પોર્ટલ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દેશમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ફરજિયાત બનાવવામાં આવશે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતમાં આવ્યા પછી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેઓને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. જેથી દેશમાં કોવિડના ફેલાવાને રોકી શકાય.

દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 3,380 થયા
ભારતમાં ફરી એક વાર કોરોનાનો ખતરો વધી ગયો છે. જોકે અત્યાર સુધી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો નથી. કોરોનાના કારણે મૃત્યુમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. આ સાથે સક્રિય કેસ પણ ઘટીને માત્ર 3,380 પર આવી ગયા છે. કેસ ઘટ્યા બાદ પણ દેશમાં કોરોનાને લઈને ચિંતા છે કારણ કે ચીનમાં ફરી એકવાર કોરોના વધવા લાગ્યો છે. ઉપરાંત ભારતમાં કોરોનાના BF.7 વેરિએન્ટના કેસ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં હવે ભારત સરકારે આ અંગે તૈયારીઓ તેજ કરી દીધી છે.

શુક્રવારે કોરોનાના 163 નવા કેસ નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે શુક્રવારે કોરોનાના 163 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 3,380 થઈ ગયા છે. એક દિવસમાં 22 સક્રિય દર્દીઓમાં ઘટાડો થયો છે. તો કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે, જે પછી કુલ મૃત્યુઆંક હવે વધીને 5 લાખ 30 હજાર 690 થઈ ગયો છે.આ પહેલા 22 ડિસેમ્બરે દેશમાં કોરોના વાયરસના 185 કેસ નોંધાયા હતા. જે બાદ દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 4,46,76,515 થઈ ગઈ છે.