'મોડું થઈ જાય એ પહેલાં પ્લીઝ મારી મદદ કરો!'

ફિલ્મ 'આશિક બનાયા આપને'થી ફેન્સના દિલમાં ખાસ સ્થાન બનાવનાર તનુશ્રી દત્તાએ એક્ટિંગથી દૂરી બનાવી લીધી છે, જોકે એક્ટ્રેસ આજકાલ પોતાના પર્સનલ જીવનને કારણે લાઈમલાઈટમાં રહે છે. નાના પાટેકર પર 'મી ટૂ' ઝુંબેશ હેઠળ લાગેલા આરોપો બાદ ફરી એકવાર તનુશ્રીનું નામ ચર્ચામાં આવ્યું છે.
તાજેતરમાં તનુશ્રી દત્તાએ ધ્રુસકે-ધ્રુસકે રડતાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કર્યો. એક્ટ્રેસે કહ્યું કે છેલ્લાં 4-5 વર્ષથી મારું શોષણ થઈ રહ્યું છે. મંગળવારે હતાશામાં પોલીસને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતું. હું ખૂબ જ કંટાળી ગઈ છું, મોડું થઈ જાય એ પહેલાં પ્લીઝ મારી મદદ કરો.
વીડિયોમાં આગળ એક્ટ્રેસ કહે છે, 'મિત્રો, મારા ઘરમાં જ મારું શોષણ થાય છે. મેં હમણાં જ પોલીસને ફોન કર્યો છે. તેમણે મને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરવાનું કહ્યું છે. હું કાલે અથવા પરમ દિવસે ફરિયાદ નોંધાવવા જઈશ. મારી તબિયત એકદમ ખરાબ છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં મને એટલી બધી હેરાન કરવામાં આવી છે કે મારી તબિયત બગડી ગઈ છે. હું કોઈ કામ કરી શકતી નથી, મારું ઘર પણ વેરવિખેર પડ્યું છે.'