મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિ જ હત્યારો નીકળ્યો
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ઘરથી 200 મીટર દૂર 33 વર્ષીય મહિલા સ્નેહાબેન આસોડીયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટનાનો ભેદ પોલીસે એક દિવસમાં જ ઉકેલી નાખ્યો છે. ઘરકંકાશથી કંટાળી પતિ હિતેશે જ પોતાની પત્નીનું લોખંડના સળિયાનો ઘા મારી મર્ડર કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ પતિ દ્વારા એવી સ્ટોરી ઘડવામાં આવી હતી કે, પત્ની પાણીપુરી ખાવા ગઈ અને ઘરે પરત ફરી નથી. જોકે, તે કારણ ગળે ઉતરે એવું ન હતું. જેથી, શરૂઆતથી શંકાના દાયરામાં રહેલો પતિ ક્રાઈમ બ્રાન્ચની આગવી ઢબથી થઈ રહેલી પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને કબુલાત આપી હતી કે, ત્રણ વર્ષ પહેલા સ્નેહા સાથે લગ્ન થયા હતા અને ત્યારબાદથી જ બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા.
પત્ની પતિ પર શંકા કરતી ને બાળકને પણ સાચવતી નહોતી જોકે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઇન્વેસ્ટીગેશન કરતા જાણવા મળ્યું કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. બંને વચ્ચે ત્રણ વર્ષનો લગ્ન સંબંધ હતો પરંતુ, લગ્નના તુરંત બાદ જ પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી. પત્ની પતિ ઉપર શંકા કરતી હોવાથી દિવસભર ફોન અને વીડિયો કોલ કરતી હતી. કારખાનામાં લુહારી કામ કરતો પતિ પોતાની પત્નીથી કંટાળી ગયો હતો. પત્ની બે વર્ષના બાળક શિવાંશને રાખવા પણ પત્ની તૈયાર ન હતી, જેથી પતિ દરરોજ પોતાના માતા-પિતાને ત્યાં સવારે બાળકને મૂકી આવતો હતો અને બાદમાં સાંજે ત્યાંથી પોતાના ઘરે પરત લઈ આવતો હતો.