માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવામાં આવે. સરકાર તરફથી વાટાઘાટો કે બાંયધરી ન મળતાં તેમણે વિધાનસભાના ઘેરાવની ચીમકી આપી હતી. એમાં સોમવાર સુધી સરકાર પાસેથી જવાબ ન મળતાં આજે(5 ઓગસ્ટ, 2025) સત્યાગ્રહ છાવણી ખાતે 300 જેટલા માજી સૈનિકો એકઠા થયા હતા. પૂર્વ સૈનિકોની આ ચીમકીને પગલે સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બપોર સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળતાં વિધાનસભા તરફ કૂચ કરી કહ્યું હતું કે વિધાનસભા ઘેરાવ માટે ફક્ત સરકાર જવાબદાર રહેશે.
માજી સૈનિકોએ વિધાનસભા તરફ કૂચ કરતાં ઘર્ષણ પોલીસે બેરિકેડિંગ તેમજ નાકાબંધી કરી હોવા છતાં માજી સૈનિકોએ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસ દ્વારા રાખવામાં આવેલાં બેરિકેડિંગ સહિતનું હટાવીને માજી સૈનિકો વિધાનસભા તરફ વધી રહ્યા હતા. આ સમયે પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે માજી સૈનિકોને ડિટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ જોઈને માજી સૈનિકોએ પોલીસની વાનને રોકી દઈને પોતાના સાથીદારોને છોડાવવાની પેરવી કરી હતી. પોલીસે માજી સૈનિકોને ઘ-3 સર્કલ નજીક રોકી દીધા છે.