દૂધ સાગર રોડ પર મમરાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઇ, ભાયાવદરમાં શિક્ષકના ઘરમાં 65 હજારની ચોરી

વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અનેક અલગ અલગ નુસખા અપનાવી રહ્યા છે. એરપોર્ટ પોલીસે ઝડપી પાડેલ દારૂના મોટા જથ્થા બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મમરાની આડમાં દારૂ ભરીને લઇ જવાતો 2.46 લાખનો વિદેશી દારૂ સહિત 7.46 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર એક છોટા હાથી જીજે-07-ટીયુ-1238 વાહનમાં મમરાની આડમાં વિદેશી દારૂ લઇ જવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે 2.46 લાખનો દારૂ અને વાહન મળી કુલ 7.46 લાખનો મુદામાલ કબ્જે કરી વાહન મૂકી નાસી જનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ભાયાવદરમાં શિક્ષકના ઘરમાં ચોરી
ભાયાવદર તાલુકા શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા શાંતીદાસ પુરણદાસ દાણીધારીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 19 નવેમ્બરના રોજ તેની પુત્રી જે ગોંડલના અરડોઇમાં હેલ્થ ઓફિસર તરીકે નોકરી કરતી હોય ત્યાં તેની પત્ની અને બીજી દીકરી રહેતી હોય જેને મકાન ભાડે રાખવાનું હોય ત્યાં ગયા હતાં. બીજા દિવસે ભાયાવાદર ઘરે પરત ફરતાં તેના મકાનના ડેલાના દરવાજાનુ તાળુ ખોલતા દરવાજો ખુલેલ નહીં અને અંદરથી દરવાજો બંધ હતો. આથી બાજુમાં આવેલ સર્વિસ સ્ટેશનની અગાસી પરથી મકાનમાં તપાસ કરતાં હોલની બારી ગ્રીલવાળી તુટેલી હતી.
મઘરવાડામાં ખેત મજૂરે આપઘાત કર્યો
રાજકોટના મઘરવાડામાં ખેડૂત નાથાભાઈની વાડીએ રહેતાં મૂળ ગોધરાના રાકેશભાઈ ઠાકુરભાઈ વાસુનીયા ગઇકાલે રાત્રિના વાડીએ હતો. ત્યારે તેમની પત્ની સાથે જમવા મામલે ઝઘડો થતાં તેનું માઠુ લાગી આવતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેમને તાત્કાલીક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.
છ મહિના પહેલા લગ્ન થયા હતા
પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના છ મહિના પહેલા દુધીબેન સાથે લગ્ન થયા હતા. જે બાદ બન્ને પતિ-પત્ની મઘરવાડામાં રહી ખેતીકામ કરતાં હતા. ગઇકાલે સાંજે રાકેશ કામ કરતો હતો ત્યારે તેની પત્નીએ વહેલું જમી લીધું હોવાનું કહ્યા બાદ રાકેશે તે મારા વગર કેમ જમી લીધું કહેતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેનું માઠું લાગી આવતાં અંતિમ પગલું ભરી લીધું હતું.

ચોરાઉ ત્રણ બાઇક સાથે બે શખ્સની ધરપકડ
રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે ચોરાઉ ત્રણ બાઇક સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ભીલવાસ ચોક નજીક નંબર પ્લેટ વગરના ચોરાઉ વાહન સાથે આવતા શખ્સને ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી શમશેર ઉર્ફે સમીર જુણાત અને રાહીલ ગડીયાણીની ધરપકડ કરી તેની પાસેથી કુલ ત્રણ ચોરાઉ બાઇક સહિત કુલ 65,000નો મુદામાલ કબ્જે કરી અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી રાહીલ અગાઉ પણ વર્ષ 2016માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે..

95 હજારનો મુદ્દામાલ ચોરાયો
તેમજ રૂમમાં કબાટ તૂટેલી હાલતમાં વેર વિખેર હાલતમાં હતો. તેની પત્નીનો ત્રણ તોલાનો સોનાનો હાર, દોઢ તોલાનો સોનાનો ચેઇન તેમજ બે સોનાની વીંટી તથા ચાર સોનાના નાકના દાણા, સોનાની બાલીની જોડી મળી રૂ.60 હજાર તેમજ રોકડ રૂ.35 હજાર મળી રૂ.95 હજારનો મુદ્દામાલની જોવા ન મળતાં કોઈ અજાણ્યો શખ્સ સોનુ અને રોકડ રૂપિયાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ભયાવાદર પોલીસ સ્ટાફે અજાણ્યાં તસ્કર સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
વીજશોક લાગતા યુવાનનું મોત
રાજકોટ નજીક કુચીયાદળ ગામે રહેતાં દિપકભાઈ જાગાભાઈ જાડા (ઉં.વ.35) ગઇકાલે સાંજે 6 વાગ્યે સાતડા ગામ પાસે આવેલ હોટલમાં ઇલેક્ટ્રિકનું રિપેરિંગ કામ ક૨તાં હતાં ત્યારે કોઈ કારણોસર વીજ શોક લાગ્યો હતો. જેને તાત્કાલિક સારવારમાં રાજકોટ સિવુલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કરતા સિવિલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતાં હોસ્પિટલ આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક ઈલેક્ટ્રિક કામ કરતો હતો અને ત્રણ ભાઈમાં મોટો તેમજ તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.
ચોરાઉ બે મોબાઈલ સાથે સગીર સહિત બેની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળથી બે ચોરાઉ મોબાઈલ સાથે ફરદીન ફિરોજ સુમરા અને સગીરને દબોચી રૂ.26 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે, તેને ગત તા.15ની રાત્રિના સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતાં તબીબ સુરેશભાઈ બાબુજીભાઈ સુથારના મોબાઇલની ચોરી કરી હતી. જે અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ફરદીન સુમરા અગાઉ પણ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલ છે.
મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસાની કાર્યવાહી
વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સોની અટકાયત કરવાની પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇ એલ.કે. જેઠવાના માર્ગદર્શન હેઠળ ટીમે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં તપાસ કરતાં અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલા ભૂરા શામજી સિંધવ (ઉ.વ.25) વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલતાં તેને પાસા દરખાસ્ત મંજૂર કરી આરોપીને જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કરતાં PSI જી.એસ. ગઢવી અને ટીમે આરોપીને પકડી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.