દ્વારકામાં વર્ષનો અંતિમ સૂર્યાસ્ત સમુદ્રમાં સમાઈ જવાનો મનમોહક નજારો, પ્રવાસીઓ ઉમટ્યા

વર્ષ 2022ના અંતિમ દિવસે રાજ્યના પર્યટન સ્થળોએ સહેલાણીઓનો સાગર ઉમટી રહ્યો છે. ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ સનસેટ પોઇન્ટ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. આ દરમિયાન લોકો વર્ષ 2022 ના આથમતા અંતિમ સૂર્યાને નિહાળ્યો હતો. આ વેળાએ આહલાદક નજારો દેખાયો હતો.

દ્વારકામાં વર્ષ 2022ના અંતિમ સૂર્યાસ્ત નિહાળવા પહોંચ્યા
નવા વર્ષના પ્રારંભ ઉપરાંત શનિ રવિવારની રજાને લઈને મોટી સંખ્યામાં લોકો દ્વારકાના સનસેટ પોઈન્ટ, નવા ગોમતીઘાટ અને સુદામા સેતુ પર વર્ષ 2022ને વિદાય આપવા એકઠા થયા હતા. આ દરમિયાન વર્ષ 2022 માં આવેલી તમામ મુશ્કેલીઓનો અંત આવે અને નવું વર્ષ 2023 નવી આશાઓ સાથે આવે તેવી માંગ સાથે વર્ષને વિદાય આપી હતી. જ્યા સેલ્ફી સાથે વર્ષ 2022ને યાત્રિકોઓ ઉલ્લાસભેર વિદાય આપી હતી. બીજી બાજુ વર્ષ 2023ના વર્ષને આવકારવા માટે પણ યુવાપેઢીમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ દ્વારકાનાં સાગર કિનારે 2022 નો અંતિમ સૂર્યાસ્ત સમુદ્રમાં સમાઈ જવાના સુંદર દ્રશ્યો સર્જાયા હતા.

SOU પર નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં ઉત્સાહ
આ ઉપરાંત 31 ડીસેમ્બર અને નવા વર્ષના આગમનને લઈને ગુજરાતના પ્રવાસન સ્થળો સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, દિવના દરિયા સહિતના સ્થળોએ પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે. જેને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા રહ્યો છે.