લાલો' ફિલ્મના કલાકારો પહોંચતા જ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી
ગુજરાતી ફિલ્મ 'લાલો કૃષ્ણ સદા સહાયતે'ના કલાકારો આજે (2 ડિસેમ્બર 2025) સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓવર ક્રાઉડના કારણે અનેક બાળકો ફસાયા હતા. આ દરમિયાન એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. મોલની ઇલેક્ટ્રિક સીડી (એસ્કેલેટર)ના પગથિયે બાળકી પટકાઈ હતી. બે વ્યક્તિએ દેબદૂત બની બાળકીનો જીવ બચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, વધુ કોઇ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈ કલાકારોએ ચાલતી પકડી હતી.
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં 'લાલો કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રૃહાદ ગોસ્વામી સહિતની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. જોકે, આ દરમિયાન કલાકારો સાથે સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. જેના કારણે ક્રિસ્ટલ મોલમાં વિવિધ માળ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોલમાં ઓવર ક્રાઉડના કારમે અનેક બાળકો ભીડમાં ફસાયા હતા અને ધક્કામુકીમાં નીચે પટકાયા હતા. આ ગંભીર ઘટનામાં એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા છે.