કરોડના બંગલો બચાવવા માલિકો રસ્તા પર, આત્મવિલોપનની ચીમકી
અમદાવાદના થલતેજમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે.આ તમામ મકાન ગેરકાયદેસર હોવાનું કહીને કોર્પોરેશન દ્વારા તોડવામાં આવનાર છે. પરંતુ સોસાયટીના રહીશોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. એક રહીશ મહિલાએ તો કહ્યું ભલે અમારા પર બુલડોઝર ફેરવી દો, પણ ઘર ખાલી નહીં કરીએ.
સોસાયટીના રહીશોનો દાવો છે કે તેઓ 40 વર્ષથી રહે છે અને બિલ્ડર પાસેથી બે લાખ રૂપિયામાં મકાન ખરીદ્યા હતા.જે 25 મકાનમાંથી 20 જેટલા મકાન ઓએનજીસીના અધિકારીઓને કર્મચારીઓએ ખરીદ્યા હતા.હાલ સોસાયટીમાં રહીશો મકાન તૂટે નહીં તે માટે ગેટ પર એક થઈને બેઠા છે. રહીશોએ આત્મ વિલોપનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.
40 વર્ષ પહેલાં ઘર ખરીદ્યા હવે જમીન માલિક નવો જ નીકળ્યો થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં 25 મકાન આવેલા છે.આ સોસાયટીની સ્થાપના 1983માં થઈ હતી.કાંતિલાલ પટેલ નામના બિલ્ડરે સોસાયટીમાં 1985માં બે લાખ રૂપિયાના ભાવથી 25 મકાન વેચ્યા હતા.25 પૈકી 20 મકાન ONGCના કર્મચારીઓએ લોનથી ખરીદ્યા હતા. બિલ્ડર કાંતિ પટેલે મકાન વેચ્યા બાદ સોસાયટીમાં 40 વર્ષથી રહીશો રહેતા હતા. ત્યારે થોડા સમય અગાઉ રહીશોને જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિક ધર્મેશ પટેલ છે એટલે કે કાંતિલાલ પટેલે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા.