કર્ણાટક સરકારના અભ્યાસમાં દાવો
કર્ણાટક સરકારની એક એજન્સીના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યના 91% લોકો માને છે કે ભારતમાં ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે યોજાય છે અને EVM ચોક્કસ પરિણામો આપે છે. આ રિપોર્ટ કર્ણાટક મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓથોરિટી (KMEA) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ સર્વે એવા સમયે આવ્યો છે, જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભાજપ પર ઘણા રાજ્યોમાં ‘મત ચોરી’નો સતત આરોપ લગાવી રહ્યા છે. તેઓ કર્ણાટકના કલબુર્ગીમાં પણ મત ચોરીનો દાવો કરી ચૂક્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. આવી સ્થિતિમાં, ભાજપે સર્વે રિપોર્ટને લઈને રાહુલ પર પલટવાર કર્યો છે.
ભાજપના નેતા અને કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'લોકો ચૂંટણીઓ પર, EVM પર અને લોકો ભારતની લોકતાંત્રિક પ્રક્રિયા પર વિશ્વાસ કરે છે. આ સર્વે કોંગ્રેસના મોં પર સણસણતો તમાચો છે. કારણ કે જ્યાં નાગરિકો વિશ્વાસ દર્શાવી રહ્યા છે, ત્યાં કોંગ્રેસ શંકા વ્યક્ત કરી રહી છે.'