કોહલીએ 52મી વન-ડે સેન્ચુરી ફટકારી, કુલદીપે 4 વિકેટ લઈને બાજી પલટી
ભારતે સાઉથ આફ્રિકાને રોમાંચક પહેલી વન-ડેમાં 17 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. રાંચીના JSCA સ્ટેડિયમમાં રવિવારે સાઉથ આફ્રિકાએ બોલિંગ પસંદ કરી હતી. ભારતે વિરાટ કોહલીની સદીના જોરે 349 રન બનાવ્યા. જવાબમાં મહેમાન ટીમે ટક્કર આપી, પરંતુ ટીમ 332 રન જ બનાવી શકી.
ભારત તરફથી કોહલી ઉપરાંત રોહિત શર્માએ 57 અને કેપ્ટન કેએલ રાહુલે 60 રન બનાવ્યા. બોલિંગમાં કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી. હર્ષિત રાણાએ 3 અને અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સેન, નાન્દ્રે બર્ગર, કોર્બિન બોશ અને ઓટનિલ બાર્ટમેને 2-2 વિકેટ લીધી.
મોટા ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. ટીમે 11 રન પર જ 3 વિકેટ ગુમાવી દીધી. મેથ્યુ બ્રીટ્ઝકીએ પછીથી ઇનિંગ્સ સંભાળી લીધી. તેને માર્કો યાન્સેનનો સાથ મળ્યો, પરંતુ બંને એક જ ઓવરમાં આઉટ થઈ ગયા. છેલ્લે કોર્બિન બોશે અડધી સદી ફટકારીને ટીમને જીતની નજીક પહોંચાડી, પરંતુ તેની ઇનિંગ્સ કામ ન આવી.
કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડ્યા વિરાટ કોહલી કોઈ એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે તેંડુલકર (ટેસ્ટમાં 51 સદી)ને પાછળ છોડ્યા. T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલ (5-5 સદી)ના સૌથી વધુ સદીના રેકોર્ડ છે.