ખેડૂત મહાપંચાયત યોજવા AAPને મંજૂરી
આવતીકાલે (31 ઓક્ટોબર) લીંમડી વિધાનસભાના સુદામડા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદના હડદડમાં મંજૂરી વગર થયેલી મહાપંચાયતમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જો કે, હવે આમ આદમી પાર્ટીને ખેડૂત મહાપંચાયત યોજવાની પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ચાલતી APMCમાં કડદા પ્રથા બંધ કરવાની સાથે ખેડૂતોને ભેગા કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. શુક્રવારે થનારી ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેવાના છે.
આ કાર્યક્રમ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-12ના મહિલા કોર્પોરેટરના પતિ મૌલિક દેલવાડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભાજપના કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા કે જેઓ વોર્ડ નંબર-12ના પૂર્વ મહામંત્રી છે. આજે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ તેમને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું.
આ વખતની મહાપંચાયત ઐતિહાસિક રહેવાની છેઃ મનોજ સોરઠિયા આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું છે કે, 31મીએ સરદાર જયંતિના દિવસે યોજાનાર ખેડૂત મહાપંચાયતને પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેથી કોઈ પણ રોકટોક વગર મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં આ કિસાન મહાપંચાત યોજશે. જેમાં ગુજરાતમાં ખેડૂતોમાં પ્રશ્નો અને ખેડૂતોની માંગણીને લઈને મહાપંચાયમાં ખૂબ મોટા નિર્ણય લેવામાં આવશે. સરકારને સંદેશ આપવાનું કામ કરવાનું છે કે, જો ખેડૂતોની માંગણી સ્વીકારવા નહીં આવે તો આગામી દિવસમાં ગુજરાતના ખેડૂતો તાનાશાહી સરકારને ઉખાડીને ફેંકી દેવાનું કામ કરશે. આ વખતની મહાપંચાયત ખૂબ જ અભૂતપૂર્વ અને ઐતિહાસિક રહેવાની છે.