કેનેડામાં PM મોદીને ‘મારી નાખો’ની નારેબાજી
કેનેડાના ઓટાવામાં રવિવારે ખાલિસ્તાની જનમત સંગ્રહ દરમિયાન ભારતીય ધ્વજ 'તિરંગા'ને નીચે પાડીને અપમાનિત કરવામાં આવ્યો. ભારતીય પીએમ અને અધિકારીઓને મારી નાખવાના નારા લગાવવામાં આવ્યા.
કડકડતી ઠંડી હોવા છતાં હજારો કેનેડિયન શીખોએ આ રેલીમાં ભાગ લીધો. લોકો સવારથી સાંજ સુધી પીળા રંગના ખાલિસ્તાન ઝંડા હાથમાં લઈને લગભગ બે કિલોમીટર લાંબી કતારમાં ઊભા રહ્યા.
આ લોકો એક અનૌપચારિક અને ગેરકાયદેસર મતદાનમાં ભાગ લઈ રહ્યા હતા, જેને 'ખાલિસ્તાન રેફરન્ડમ' કહેવામાં આવી રહ્યું છે. આ મતદાનમાં એક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો હતો કે 'શું પંજાબને ભારતથી અલગ કરીને એક નવો સ્વતંત્ર દેશ ખાલિસ્તાન બનાવવો જોઈએ?'
આનું આયોજન આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોનો દાવો છે કે ઓન્ટેરિયો, આલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા અને ક્યુબેક પ્રાંતોમાંથી 53,000 થી વધુ શીખો મત આપવા આવ્યા હતા. લોકો નાના બાળકો, નવજાત શિશુઓ, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો સાથે આવ્યા હતા.